રાજ્ય સરકારના ૧૯ હજાર કર્મીને ૧૨ ટકા મોંઘવારી ભથ્થું

635

રાજ્ય સરકારે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. છઠ્ઠા પગાર પંચ મેળવતા રાજ્ય સરકારના ૧૯ હજાર અધિકારીઓ અને કર્મચારીને કુલ ૧૨ ટકા મોંઘવારી ભથ્થાનો લાભ આપવામાં આવશે. આ નિર્ણય બાદ સરકાર ઉપર વાર્ષિક ૪૧.૯૩ કરોડનું વધારાનું ભારણ પડશે. અધિકારીઓ અને કર્મચારીને આ મોંઘવારી ભથ્થું ઓગસ્ટ-૨૦૧૯ના પગાર સાથે ચુકવવામાં આવશે. આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, છઠ્ઠું પગાર પંચ મેળવતાં રાજ્ય સરકારના ૧૯,૩૫૯ અધિકારીઓ-કર્મચારીઓ અને પેન્શનરોને તા.૧.૭.૨૦૧૮ થી ૬ ટકા તથા તા.૧.૧.૨૦૧૯થી વધુ ૬ ટકા મળી કુલ ૧૨ ટકા મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ મોંઘવારી ભથ્થુ ઓગસ્ટ-૨૦૧૯ના પગાર સાથે ચુકવવામાં આવશે. જેનાથી રાજ્ય સરકાર ઉપર વાર્ષિક રૂ. ૪૧.૯૩ કરોડનું વધારાનું ભારણ પડશે. નીતિન પટેલે વધુમાં ઉમેર્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સરકારી કર્મચારીઓ માટે અનેકવિધ નિર્ણયો કર્યા છે, જેના ભાગરૂપે આજે ચર્ચા-વિચારણા કરાયા બાદ આ નિર્ણય કરાયો છે. રાજ્ય સરકારના ૭૭૪૨ કર્મચારીઓ અને ૧૧૬૧૭ પેન્શનરો મળી, અંદાજીત કુલ ૧૯,૩૫૯ અધિકારીઓ-કર્મચારીઓ અને પેન્શનરોને રાજ્ય સરકારે છઠ્ઠા પગાર પંચના લાભો મંજૂર કર્યા છે, જે મુજબ હાલમાં પગાર તથા પેન્શન ચુકવવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા હાલમાં છઠ્ઠા પગાર પંચનો લાભ અંદાજીત ૧૯ હજાર જેટલા કર્મચારીઓ-અધિકારીઓ આપવામાં આવી રહ્યો છે.

ભારત સરકાર દ્વારા તા.૧.૭.૨૦૧૮ થી ૬ ટકા તથા તા.૧.૧.૨૦૧૯થી વધુ ૬ ટકા મોંઘવારી ભથ્થુ મંજૂર કરાયુ છે. છઠ્ઠા પગાર પંચ મેળવતાં રાજ્ય સરકારના અધિકારીઓ તથા કર્મચારીઓને તેમના પગાર ઉપરાંત અત્યારે ૧૪૨ ટકા મોંઘવારી ભથ્થું ચુકવવામાં આવી રહ્યું છે. ભારત સરકારે પણ તા.૧.૭.૨૦૧૮થી વધુ ૬ ટકા તથા તા.૧.૧.૨૦૧૯થી વધુ ૬ ટકા મોંઘવારી ભથ્થુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે જાહેર કર્યું છે, જે સંદર્ભે છઠ્ઠા પગાર પંચ પ્રમાણે પગાર-પેન્શન મેળવતાં રાજ્ય સરકારના અધિકારીઓ તથા કર્મચારીઓને પણ કેન્દ્રના ધોરણે તા.૧.૭.૨૦૧૮થી ૬ ટકા  તથા તા.૧.૧.૨૦૧૯થી ૬ ટકા મળી કુલ ૧૨ ટકા મોંઘવારી ભથ્થું ચુકવવાનો નિર્ણય કર્યો છે અને ઓગસ્ટ-૨૦૧૯ના પગારની ચુકવણી સાથે કુલ ૧૨ ટકા મોંઘવારી ભથ્થાનો વધારો તા.૧.૭.૨૦૧૮થી ૬ ટકા પ્રમાણે તથા તા.૧.૧.૨૦૧૯થી વધુ ૧૨ ટકા ગણીને, ઓગસ્ટ-૨૦૧૯ના પગાર સાથે તેનું રોકડમાં ચુકવણું કરવામાં આવશે.

આ નિર્ણયના કારણે રાજ્ય સરકાર ઉપર વાર્ષિક અંદાજે રૂ.૪૧.૯૩ કરોડ જેટલું ભારણ વધશે.

Previous articleરાજ્યના સાંસ્કૃતિક વનનું મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ
Next articleબાબરાના નીલવડા રોડ ઉપર કીરાણાની ૩ દુકાનોમાં તસ્કરી