કાશ્મીરમાં તનાવપૂર્ણ માહોલ વચ્ચે બરોડાના ક્રિકેટર અને જમ્મુ કાશ્મીરની ક્રિકેટ ટીમ સાથે જોડાયેલા ઈરફાન પઠાણ સહિતના ટીમના કોચિંગ સ્ટાફને વહેલી તકે જમ્મુ કાશ્મીર છોડી દેવા માટે સલાહ અપાઈ છે.તેના કારણે કાશ્મીરના ક્રિકેટને ફટકો પડશે.કારણકે ૧૭ ઓગષ્ટથી દુલિપ ટ્રોફી ટુર્નામેન્ટ શરૂ થઈ રહી છે. એ પછી ૫૦ ઓવરની વિજય હજારે ટ્રોફી પણ રમાવાની છે. જ્યારે ડિસેમ્બરમાં રણજી ટ્રોફી લીગ રાઉન્ડની શરૂઆત થશે.
માત્ર ઈરફાન અને બીજા કોચિંગ સ્ટાફના જ નહી પણ શ્રીનગરના શેર એ કાશ્મીર સ્ટેડિયમમાં રોકાયેલા બીજા ૧૦૦ ક્રિકેટરોને પણ ઘરે પરત ફરવાનો વારો આવ્યો છે.જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિએશન દ્વારા તાલીમ શિબિરના ભાગરૂપે પ્રેક્ટિસ મેચોનુ પણ આયોજન કરાયુ હતુ. કાશ્મીરમાં નવુ ટેલેન્ટ શોધવા માટે પસંદગીકારોને બોલાવાયા હતા પણ હવે સરકારની નવી એડવાઈઝરીના કારણે આ તમામ એક્ટિવિટિ હાલ પુરતી તો સ્થગિત કરાઈ છે.