વાહનોના વેચાણમાં ભારે ઘટાડાની વચ્ચે દેશભરમાં વાહન ડીલરની સંખ્યામાં ભારે ઘટાડો થઇ રહ્યો છે. કર્મચારીઓને બહારના રસ્તા બતાવવામાં આવી રહ્યા છે. ઉદ્યોગ સંગઠન ફેડરેશન ઓફ ઓટો મોબાઇલ ડીલર્સ એસોસિએશન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે છેલ્લા ત્રણ મહિનાના ગાળા દરમિયાન રિટેલ વેચાણકારો દ્વારા વેચાણમાં ભારે ઘટાડો થવાના કારણે બે લાખથી વધુ કર્મચારીઓની નોકરી જતી રહી છે. સંગઠને એમ પણ કહ્યું છે કે, નજીકના ભવિષ્યમાં સ્થિતિમાં સુધારો થાય તેવી શક્યતા પણ નહીંવત દેખાઈ રહી છે જેના પરિણામ સ્વરુપે હજુ બીજા શો રુમ પણ બંધ કરવામાં આવી શકે છે. છટણીનો સિલસિલો જારી રહી શકે છે. ફાડાના અધ્યક્ષ આશિષ હર્ષરાજે કહ્યું છે કે, વેચાણમાં ઘટાડાના પરિણામ સ્વરુપે ડિલરોની પાસે શ્રમબળમાં કાપ સિવાય અન્ય કોઇ વિકલ્પો રહ્યા નથી. હર્ષરાજે એમ પણ કહ્યું છે કે, સરકારને વાહન ઉદ્યોગને રાહત આપવા માટે જીએસટીમાં કાપ જેવા ઉપાય કરવાની જરૂર છે. હાલમાં મોટાભાગની કંપનીઓ છટણી કરવાની પ્રક્રિયામાં લાગેલી છે. છટણીની સાથે સાથે વેચાણને લઇને ચિંતાતુર રહેલી કંપનીઓ વલણ બદલી શકે છે. આના કારણે ટેકનિકલ સ્તરની નોકરીઓ ઉપર પ્રતિકુળ અસર થશે. દેશભરમાં ડિલરશીપમાં કેટલા લોકોની નોકરી જતી રહી છે તે અંગે પૂછવામાં આવતા હર્ષરાજે કહ્યું હતું કે, હજુ સુધી બે લાખ લોકોને બહાર કરવામાં આવી ચુક્યા છે. દેશભરમાં ૧૫૦૦૦ ડિલરો દ્વારા સંચાલિત ૨૬૦૦૦ વાહન શો રુમમાં આશરે ૨૫ લાખ લોકોને પ્રત્યક્ષ રોજગાર મળી ચુક્યા છે. આવી જ રીતે ૨૫ લાખ લોકોને પરોક્ષરીતે આ ક્ષેત્રમાં રોજગારી મળી રહી છે. તેમણે કહ્યું હતું કે, છેલ્લા ત્રણ મહિનાના ગાળામાં ડીલરશીપથી બે લાખ શ્રમબળને ઓછા કરી દેવામાં આવ્યા છે. આ પહેલા આ વર્ષે એપ્રિલ સુધી ૧૮ મહિનાની અવધિમાં દેશમાં ૨૭૧ શહેરોમાં ૨૮૬ શો રુમ બંધ કરવામાં આવી ચુક્યા છે જેના કારણે ૩૨૦૦૦ લોકોની નોકરી જતી રહી હતી. બે લાખ નોકરી ઘટી જતાં હાલત કફોડી બની રહી છે. ફાડાના અધ્યક્ષ આશિષ હર્ષરાજ કાલેએ કહ્યું છે કે, ચારા ચૂંટણી પરિણામ અને બજેટ છતાં વાહન ક્ષેત્રમાં વ્યાપક મંદી દેખાઈ રહી છે. આ વર્ષે માર્ચ સુધી ડીલરોએ શ્રમબળમાં કાપ મુક્યો ન હતો કારણ કે મંદી અસ્થાયી હોવાનું લાગી રહ્યું હતું પરંતુ સ્થિતિમાં સુધારો થઇ રહ્યો નથી. આજ કારણસર ડીલરોએ શ્રમબળમાં ઘટાડો કરવાની શરૂઆત કરી દીધી છે.