છેલ્લા એક દાયકાથી બનાસકાંઠા જિલ્લાને નર્મદાનું પાણી મળતાં સુકોભટ્ટ પ્રદેશ લીલોતરીમાં ફેરવાયો છે. તેમ છતાં ડીસા પંથકમાં કેટલાક ગામડાઓમાં પાણીનો પ્રશ્ન યથાવત રહ્યો છે. જેના કારણે વાસણા ગોળીયા ગામના પ્રગતિશીલ ખેડૂતે ઈન્ટરનેટના માધ્યમથી ઓછા પાણીમાં પણ પાક લઈ શકાય તેવા ઉમદા આશ્રયથી વિદેશી ફળ ગણાતા ડ્રેગન ફ્રૂટની ખેતી કરી છે. અનુભવ ન હોવા છતાં તેઓએ ઈન્ટરનેટનો ઉપયોગ કરી નવતર પ્રયોગ હાથ ધર્યો હતો અને ડ્રેગન ફ્રૂટની સફળ ખેતી કરી હતી.
નર્મદાના પાણી બાદ બનાસકાંઠા જિલ્લો લીલોતરીમા ફેરવાયો છે, પરંતુ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ પાણીની સમસ્યા વર્તાઈ છે. બનાસકાંઠામાં બટાકા સહિત અનેક મબલખ પાકો થાય છે.પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી બટાકામાં ભાવ ના મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે ડીસા તાલુકાના વાસણા ગોળીયા ગામ ખાતે રહેતા પ્રગતિશીલ ખેડૂતે મનોજભાઈ ઉમાજી માળી જંતુનાશક દવાનું વેચાણ કરતા હતા.પરંતુ તેઓ જંતુનાશક દવાઓના અસરથી માહિતગાર થતા નોકરી છોડી તેઓ ખેતી તરફ વળ્યા હતા. જોકે બટાકાની ખેતીમાં વળતર ના મળતું હતું. બીજી તરફ સુકાભઠ્ઠ વિસ્તારમાં પાણીની સમસ્યા હતી.
તેઓએ ઈન્ટરનેટ પર સર્ચ કરી વિદેશી ફળ ગણાતા ડ્રેગન ફ્રૂટ વિશેની માહિતી મેળવી અને ત્યાર બાદ તેઓએ ડ્રેગન ફ્રુટના ફાર્મ હાઉસ ઉપર જઈ સમગ્ર માહિતી મેળવી હતી. ત્યારબાદ તેઓએ વાસણા ગોળીયા ગામ ખાતે આવેલા ફાર્મ હાઉસની સવા એકર અંદાજિત પાંચ વિઘા જમીનમાં ડ્રેગન ફ્રૂટના ૮૦૦ પોલ એટલે કે ૩૨૦૦ રોપાનું વાવેતર કર્યું છે. જોકે આ સમગ્ર ખેતી ઓર્ગેનિક રીતે કરવામાં આવી છે. તેની સાથે તેઓ ફુલેવર, ગલગોટા તથા પપૈયાની ઇન્ટર ક્રોપ ખેતી પણ કરી છે. જોકે ડ્રેગન ફ્રુટની ખેતીમાં એક પોલમા રૂ ૬૦૦નો ખર્ચો થાય છે. જેથી કુલ ૩૨૦૦ ડ્રેગન ફ્રુટના રોપા પાછળ ચાર લાખ એસી હજાર રૂપિયાનો ખર્ચ કર્યો છે. ત્યારે પ્રથમ વર્ષે તેઓએ એક હજાર કિલો ડ્રેગન ફ્રુટનું ઉત્પાદન મેળવ્યુ છે. જેમાં તેઓને ૩ લાખ જેટલી આવક મેળવી છે. જોકે ત્રણ વર્ષે બાદ પોલ પરના ઝાડ મેચ્યોર થતા ખેડૂત દસ લાખ રૂપિયાની આવક મેળવશે.