ધણપના પર્યાવરણ પ્રેમી પરિવારે પોતાના પૂત્રના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરીને સમાજને નવી દિશા બતાવવાનું કામ કર્યું છે. પરિવારે પૂત્રના જન્મદિવસ નિમિત્તે ધણપ ગામની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓને ૧૧૧૧ રોપાઓનું વિતરણ કર્યું હતું. ઉપરાંત એક વર્ષ પછી જે વિદ્યાર્થીએ રોપાની જાળવણી કરીને તેનો ઉછેર કર્યો હશે તેને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવશે.
વર્તમાન ગ્લોબલ ર્વોમિંગની સમસ્યા સમગ્ર વિશ્વને સતાવી રહી છે. ત્યારે વૃક્ષોના રોપાઓનું વધુને વધુ વાવેતર કરીને તેનો ઉછેર કરવામાં આવે તો એક માત્ર ઉપાય છે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જળ સંચય અને વૃક્ષારોપણ નહી તેને ઉછેરવા લોકોને અપીલ કરી છે. ત્યારે જિલ્લાના ધણપ ગામના પર્યાવરણ પ્રેમીએ વૃક્ષોના રોપાઓનું વાવેતર કરાય તેમજ તેનો ઉછેર થાય તે માટે એક અનોખી પહેલ શરૂ કરી છે. ધણપ ગામના વતની તેમજ પર્યાવરણ પ્રેમીની સાથે સાથે ઉદ્યોગ સાહસિક પ્રવિણભાઇ બાલાભાઇ ચૌધરીના દિકરા અર્થવકુમારના પ્રથમ જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરીને સમાજને નવો રાહ બતાવ્યો છે. પર્યાવરણ પ્રેમી પરિવારે પૂત્રના જન્મદિવસ નિમિત્તે ૧૧૧૧ રોપાઓનું વિતરણ કરાયું હતું. જોકે પર્યાવરણ પ્રેમીએ ગામની પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીને માત્ર રોપા આપ્યા નહી. પરંતુ તેના ઉછેર કરવાના શપથ લેવડાવ્યા હતા.
વિદ્યાર્થીઓને પોતાના ઘરની આસપાસના વિસ્તારોમાં રોપાઓની વાવણી કરીને તેનું જતન કરીને ઉછેરવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી. ઉપરાંત વિદ્યાર્થીઓને આપેલા રોપાઓનો એક વર્ષ બાદ અભ્યાસ કરવામાં આવશે. જે વિદ્યાર્થીએ રોપાની જાણવણી લઇને તેનો ઉછેર કર્યો હશે તેવા બાળકોને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવશે તેમ પ્રવિણભાઇ ચૌધરીએ જણાવ્યું છે.
ગામની પ્રાથમિક અને માધ્યમિક શાળાના એક એક બાળકને પર્યાવરણ પ્રેમી પરિવારે દત્તક લીધા છે. દત્તક લીધેલા બાળકનો ભણવાનો, યુનિફોર્મ સહિતનો તમામ ખર્ચ પરિવાર દ્વારા કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.