દહેગામમાં છેલ્લા ત્રણેક દિવસથી ઝરમર ઝરમર વરસાદના આગમન બાદ શુક્રવારે દિવસ દરમ્યાન વરસાદે વિરામ લીધો હતો. જયારે રાત્રે પુનઃ ઝરમર વરસાદનું આગમન થતાં શનિવારે દિવસ દરમ્યાન પણ વરસાદ વરસતો રહ્યો હતો. તાલુકાના બહિયલ ઉપરાંત દોડ, વડોદ, માછંગ જેવા ગામોમાં ધોધમાર વરસાદ વરસતાં ખેતરોમાં વરસાદી પાણી ભરાયા હતા. દહેગામ તાલુકામાં શુક્રવારે રાત દરમિયાન ૧૦ મિમી જેટલો વરસાદ પડ્યો હતો જ્યારે શનિવારે સવારે ૬ વાગ્યાથી સાંજના ૬ સુધીમાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. જેમાં સવારે ૧૦થી ૧૨ વચ્ચે જ ૯ એમએમ જેટલો વરસાદ પડ્યો હતો. બીજી તરફ ગાંધીનગર તાલુકા અને માણસા તાલુકામાં પણ સવારથી છુટ્ટાછવાયા વરસાદી ઝાપટાં નોંધાયા હતા.
દહેગામ તાલુકાના બહિયલ ગામે સવારે ધોધમાર વરસાદ તૂટી પડતાં ભાગોળ અને બજાર વિસ્તારમાં પાણી ભરાયા હતા. જયારે દોડ, વડોદ અને માછંગ વિસ્તારમાં પણ વરસાદ પડવાને કારણે ખેતરોમાં પાણી ભરાયા હતા. શહેરી વિસ્તારને બાદ કરતાં તાલુકાના ગામોમાં ધોધમાર વરસાદ વરસવાના કારણે ખેડૂતોમાં આનંદ વ્યાપ્યો હતો.
શનિવારે આખો દિવસ સુધી છુટાછવાયા ઝાપટા બાદ ગાંધીનગર શહેરમાં અનેક સ્થળે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને પગેલે નીચાણવાળા વિસ્તારોમાં પણ અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. આખા દિવસ દરમિયાન ગતે ત્યારે વરસાદી ઝાપટા પડતા લોકો પણ મુંઝાયા હતા કે છત્રી-રેનકોટ સાથે રાખવો કે નહીં. બીજી તરફ માત્ર ૫ કે ૧૦ મિનિટના કામે છત્રી-રેનકોટ વગર નીકળેલા લોકોને વરસાદમાં પલડવાનો વારો આવ્યો હતો. જોકે, મોડી સાંજે પડેલા વરસાદને પગલે આખો દિવસ અનુભવાયેલા થોડાઘણા બફારામાંથી રાહત થઈ હતી. આમ પણ પાટનગરવાસીઓ છેલ્લા ઘણાં દિવસોથી વરસાદની આતૂરતાથી રાહ જોઈ રહ્યા હતા અને આજે સાંજે વરસાદ થતા રાહત અનુભવી હતી.