લોકસભા ચૂંટણીમાં કારમી હાર થયા બાદ કોંગ્રેસ પાર્ટી હાલના સમયમાં ટોપ નેતૃત્વને લઇને પણ સંકટની સ્થિતિમાં છે. આવી સ્થિતિમાં કોંગ્રેસની કારોબારીની બેઠક ૧૦મી ઓગસ્ટના દિવસે બોલાવવામાં આવી છે. પાર્ટીની ભવિષ્યની રણનીતિ અને નવા અધ્યક્ષની ચૂંટણીની સાથે સાથે સંસદમાં સરકારને ઘેરવા જેવા મહત્વના મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી શકે છે. કારોબારીની મળનારી બેઠકમાં અન્ય મુદ્દા ઉપર પણ ચર્ચા થશે. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની કારમી હાર થયા બાદ રાહુલ ગાંધીએ પાર્ટી અધ્યક્ષ તરીકે રાજીનામુ આપી દીધું હતું. તેમના રાજીનામાનો અસ્વિકાર કરીને કોંગ્રેસ કારોબારી દ્વારા તેમને પાર્ટીમાં ધરખમ ફેરફાર કરવા માટે તમામ સત્તાઓ આપી હતી. જો કે, રાહુલ ગાંધી પોતાના વલણ ઉપર મક્કમ રહ્યા હતા અને સ્પષ્ટતા કરી હતી કે, તેઓ ગાંધી પરિવારના અન્ય કોઇ સભ્યની સાથે આ જવાબદારી લેવા માટે તૈયાર નથી. કારોબારીની બેઠકમાં હવે પાર્ટીના નવા અધ્યક્ષની જાહેરાત કરવામાં આવી શકે છે. કોંગ્રેસના અધ્યક્ષ બનવા માટે શશી થરુર સહિત કેટલાક કોંગ્રેસી નેતાઓએ પ્રિયંકા ગાંધીનું નામ આપ્યું છે પરંતુ અધ્યક્ષ પદની ચૂંટણીમાં રાજકીય નિર્ણયની સાથે સાથે સામાજિક સમીકરણોને પણ ધ્યાનમાં લેવામાં આવશે. મિડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, કોંગ્રેસની સામે સંગઠન મજબૂત કરવાનો સૌથી મોટો પડકાર રહેલો છે. કારોબારીની બેઠકમાં સંગઠન મજબૂત કરવાની સાથે સાથે પાર્ટીની રણનીતિ ઉપર પણ ચર્ચા કરાશે.
રોજગાર સંકટ અને આર્થિક મોરચા ઉપર સરકારના પ્રદર્શન સહિત કાશ્મીર મુદ્દા ઉપર સરકારને ઘેરવા જેવા વિષય ઉપર પાર્ટીની રણનીતિ તૈયાર કરવામાં આવશે. કારોબારીની યોજાનારી બેઠકને લઇને રાહુલ ગાંધી અને અન્ય નેતાઓ તરફથી હજુ સુધી કોઇ વાત કરવામાં આવી નથી પરંતુ રાહુલ ગાંધીને સમજાવવાના પ્રયાસ હજુ પણ ચાલી રહ્યા છે. વરિષ્ઠ નેતાઓ આ પ્રયાસમાં લાગેલા છે.