વેરા આવક ૨૦.૯૨ ટકા, ઉત્પાદનની ક્ષમતામાં ૧૩ ટકાની વૃદ્ધિ

705
guj2122018-9.jpg

ગુજરાત વિધાનસભામાં આજે વિરોધપક્ષ કોંગ્રેસના ધારાસભ્યોના જોરદાર હોબાળા અને હંગામા વચ્ચે નાણાં વિભાગનો હવાલો સંભાળતા રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે આજે કરવેરા વિનાનું ગુજરાત રાજયનું  ૧૮૩૬૬૬ કરોડનું અંદાજપત્ર રજૂ કર્યું હતું. બજેટમાં નીતિન પટેલે શ્રેણીબદ્ધ નવી જાહેરાતો પણ કરી હતી જેના ભાગરુપે મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ સ્કીમની જાહેરાત કરી હતી જેના ભાગરુપે યુવાનોને ટ્રેનિંગ માટે મહિને ૩૦૦૦ રૂપિયા આપવામાં આવશે. કૃષિ માટે ૬૭૫૫ કરોડ, શ્રમ અને રોજગાર માટે ૧૭૩૨ કરોડ, શિક્ષણ ક્ષેત્ર માટે ૨૭૫૦૦ કરોડ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે ૯૭૫૦.૫૦ કરોડ, મહિલા અને બાળ વિકાસ માટે ૩૦૮૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે જ્યારે જળસંશાધન અને કલ્પસરને ૧૪૮૫૫ કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે. 
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં ગ્રામ્ય વિસ્તારમાં જોરદાર પછડાટ ખાધા બાદ ખાસ કરીને સમગ્ર સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં ભાજપના લગભગ સફાયો થઇ ગયો હોઇ ડેમેજ કંટ્રોલની કવાયતના ભાગરૂપે અને આગામી ૨૦૧૯ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી નાણાંમંત્રી નીતિન પટેલે આજે વિધાનસભા ગૃહમાં વર્ષ ૨૦૧૮-૧૯ના વર્ષ માટેનું કૃષિ અને ગ્રામીણ વિકાસલક્ષી સાથે સાથે પાણીદાર બજેટ રજૂ કર્યું  હતું. પોતાનું સળંગ પાંચમુ બજેટ રજૂ કરનાર નાણાંમંત્રી નીતિન પટેલે આ બજેટને ગુજરાતના વિકાસ પથ સમાન ગણાવ્યું હતું. એક રીતે ભાજપ સરકારે આ બજેટમાં ખેડૂતો, ગ્રામીણ પ્રજા અને યુવાનોને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો. જૂલાઇ-૨૦૧૭થી રાજયમાં વેટ સહિતના વેરા નાબૂદ કરીને જીએસટીનો અમલ શરૂ કરાયા બાદ પ્રથમવાર વેટ-વેરા વિનાનું બજેટ રજૂ કરાયું હતું. આમ તો, કોઇ નવા કરવેરા વિનાનું આ બજેટ હોવાનો સરકારપક્ષે દાવો કર્યો હતો પરંતુ નશાબંધીના કાયદાને વધુ કડક બનાવવાના આશયથી સરકારે આબકારી જકાત, ટ્રાન્સપોર્ટેશ ફી, સીએસડી કેન્ટીનના દરો અને વિદેશી દારૂ પરની સ્પેશ્યલ ફીમાં ધરખમ વધારો કર્યો છે. તો, બીજીબાજુ, જીએસટી પેટે રૂ.૪૨,૭૫૦ કરોડ અને જીએસટી સિવાયની વેરામાં રૂ.૪૫,૯૭૮ કરોડની આવક થશે તેવો અંદાજ બજેટમાં રજૂ કરાયો હતો. નાણાંમંત્રીએ રાજયના અંદાજ પત્રમાં વેરાકીય આવકમાં ૨૦.૯૨ ટકાની વૃધ્ધિ અને રાજયની ઉત્પાદન ક્ષમતામાં ૧૩ ટકાની વૃધ્ધિનો આંક રજૂ કર્યો છે. નાણાંમંત્રી દ્વારા રૂ.૭૮૩.૦૨ કરોડની પુરાંતમાં નશાબંધી દરોમાં વધારાના કર ઝીંકાવાના કારણે રૂ.૧૦૬.૩૨ કરોડ મળી એકંદરે રૂ.૮૮૯.૩૪ કરોડની પુરાંત દર્શાવતું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. નાણાંમંત્રીએ નાણાંકીય ખાધમાં ઘટાડો કરાયો હોવાનો દાવો કર્યો હતો. તો, યુવાઓને રોજગારીની તકો પૂરી પાડવા રૂ.૭૮૫ કરોડની જોગવાઇ કરાઇ હતી. 
આ સિવાય આરોગ્ય અને પરિવાર કલ્યાણ ક્ષેત્રે રૂ.૯૭૫૦ કરોડ, શિક્ષણક્ષેત્રે રૂ.૨૭,૫૦૦ કરોડ, શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ માટે રૂ.૧૨,૫૦૦ કરોડ, જળસંપત્તિ કલ્પસર માટે રૂ.૧૪,૮૯૫ કરોડ, પાણી પુરવઠા માટે રૂ.૩૩૧૧ કરોડ, માર્ગ અને મકાન માટે રૂ.૯૨૫૨ કરોડ, સામાજિક ન્યાય અધિકારીતા માટે રૂ.૩૬૪૧ કરોડ, ગૃહવિભાગ માટે રૂ.૫૪૨૦ કરોડ, ન્યાય અને કાયદા ક્ષેત્રે રૂ.૧૮૧૭ કરોડ, સામાન્ય વહીવટી વિભાગ હેઠળ રૂ.૧૮૨૬ કરોડ સહિતની અનેક મહત્વની જોગવાઇ અને યોજનાઓની જાહેરાત કરાઇ હતી. જેમાં વિપક્ષ દ્વારા બેરોજગારી મુદ્દે જે પસ્તાળ પાડવામાં આવતી હતી તેને મ્હાત આપવા નાણાંમંત્રીએ આ બજેટમાં મુખ્યમંત્રી એપ્રેન્ટીસ નવી યોજનાનો અમલ કરવાની જાહેરાત કરી હતી. 

જેમાં સ્નાતક યુવાનોને માસિક રૂ.ત્રણ હજાર, ડિપ્લોમાધારકોને માસિક રૂ.બે હજાર અને અન્યોને રૂ.૧૫૦૦ માસિક ધોરણે એક વર્ષ સુધી સરકાર દ્વારા ચૂકવવાની જાહેરાત કરવામાં આવી હતી. તો, આ વર્ષે વધુ ૩૦ હજારથી વધુ સરકારી ભરતી કરવાની પણ જાહેરાત નાણાંમંત્રીએ કરી હતી અને બેરોજગારીની સમસ્યા હલ કરવાનો પ્રયાસ કરવાની કટિબધ્ધતા વ્યકત કરી હતી. સ્વરોજગારીની તકો ઉપલબ્ધ બનાવવા રાજયમાં ૧૨ દૂધાળા પશુફાર્મની સ્થાપના માટે અને ફાર્મ દીઠ રૂ.ત્રણ લાખની સહાય ચૂકવવાની જાહેરાત પણ તેમણે કરી હતી. નાણાંમંત્રીએ બજેટ પ્રવચન દરમ્યાન નવા ટુરીસ્ટ સ્પોટ તરીકે લોથલ અને ધોળાવીરાને વિકસાવવાની તેમ જ ગિરનારના દસ હજાર પગથિયાઓનું રિનોવેશન કરવાની જાહેરાત પણ કરી હતી. તો, અમદાવાદ માટે વિશેષ પ્રકારે જે જાહેરાતો કરાઇ હતી, તેમાં પલ્લવ ચાર રસ્તા પર સ્પ્લીટ ઓવરબ્રીજ બનાવવા માટે રૂ.૬૫ કરોડની જોગવાઇ, ગાંધીગ્રામ અંડરપાસ માટે રૂ.૨૫ કરોડની ફાળવણી, પીરાણા સાઇટના બાયોમાઇનીંગ પ્રોજેકટ માટે રૂ.૧૦૦ કરોડની ફાળવણી, અમદાવાદ-બગોદરા-રાજકોટ હાઇવે સીક્સ લેન બનાવવા રૂ.૨૭૫૪ કરોડની જોગવાઇ, વર્લ્ડ હેરીટેજ સીટી મ્યુઝિયમ માટે રૂ.૨૦ કરોડ, સંસ્કાર કેન્દ્ર મ્યુઝિયમના રિનોવેશન માટે રૂ.૨૦ કરોડ અને શહેરની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સગાઓને રહેવા માટે રૈન બસૈરા બનાવવાની જાહેરાતો મહત્વની હતી. આ સિવાય ઘૂંટણ, થાપાના રિપ્લેસમેન્ટ માટે આર્થિક સહાયની પણ સરકારે જાહેરાત કરી હતી, જેમાં એક ઘૂંટણના રિપ્લેસમેન્ટ માટે રૂ.૪૦ હજાર અને બંને પગ માટે રૂ.૮૦ હજારની સરકારી મદદની જાહેરાત કરાઇ હતી. તો, પ્રવાસન ઉદ્યોગને વેગ આપવાના ભાગરૂપે જૂનાગઢમાં દર મહાશિવરાત્રિએ ભરાતા મેળાને મીની કુંભમેળા તરીકે ઘોષિત કરવા સાથે તેના આયોજન માટે રૂ.૨૪ કરોડની ખાસ જોગવાઇ સરકાર દ્વારા કરવામાં આવી હતી. નાણાંમંત્રીએ રજૂ કરેલા બજેટને ભાજપના ધારાસભ્યોએ તાળીઓ અને મેજના થપથપાટથી વધાવી લીધુ હતું.

રૂપિયાનું વિસ્તૃત ચિત્ર
ગુજરાત વિધાનસભામાં આજે ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં રૂપિયો ક્યાંથી આવશે અને ક્યા જશે તેનું ચિત્ર પણ રજૂ કરાયું હતું જે નીચે મુજબ છે.
રૂપિયો ક્યાંથી આવશે
રાજ્ય વેરો (જીએસટી સિવાય)    ૨૫.૧૬ ટકા
કેન્દ્રીય કરવેરામાં હિસ્સો    ૧૩.૩૦ ટકા
લોન અને પેશગીની વસુલાત    ૦.૧૬ ટકા
(અન્ય આવક સહિત)
જાહેર હિસાબ (ચોખ્ખો)    ૨.૭૩ ટકા
જાહેર દેવું    ૨૦.૧૪ ટકા
કરવેરા સિવાયની આવક    ૬.૪૧ ટકા
કેન્દ્ર સરકાર તરફથી અનુદાન    ૮.૭૦ ટકા
રાજ્ય જીએસટી    ૨૩.૪૦ ટકા
રૂપિયો ક્યાં જશે
વિકાસલક્ષી ખર્ચ    ૬૧.૦૬ ટકા
બિન-વિકાસલકષી ખર્ચ    ૨૯.૦૩
(જાહેર દેવું, લોન અને પેશગીઓ સિવાય)
જાહેર દેવાની ચુકવણી    ૮.૪૪ ટકા
લોન અને પેશગી    ૦.૮૪ ટકા
સહાયક અનુદાન અને ફાળો    ૦.૨૦ ટકા
કુલ ચોખ્ખી લેવડ-દેવડ    ૦.૪૩ ટકા

Previous articleસ્વાસ્થ્ય અને આરોગ્ય માટે ૯૭૫૦.૫૦ કરોડની ફાળવણી
Next articleસરદાર સરોવર યોજના માટે ફરીવાર કરોડોની ફાળવણી