ભાવનગરનો જિલ્લા કક્ષાનો ૭૦મો વન મહોત્સવ ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને સિહોર તાલુકાના બુઢણા ગામ ખાતે વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે યોજાયો હતો.
વૃક્ષારોપણના આ અવસરે ગ્રામજનોના ઉમંગ અને ઉત્સાહને પ્રોત્સાહક શબ્દોથી વધાવી લેતા મંત્રીશ્રીએ કહ્યું કે, વૃક્ષો વાવવા માટે પ્રજા જે રીતે આ કાર્યક્રમમાં ભાગ લઈ રહી છે, તેને જોતા આ વનમહોત્સવ અને વૃક્ષારોપણ હવે એક જન અભિયાન બની ચૂક્યો છે. લોકઉમંગને જોતા એમ જણાય છે કે વન મહોત્સવ કાર્યક્રમ સરકારનો નહીં પણ પ્રજાનો પોતીકો કાર્યક્રમ છે.
આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નવતર અભિગમોની આગવી કેડી કંડારીને રાજ્યનો સર્વાંગી વિકાસ હાથ ધર્યો હતો. તેમણે વિકાસના અન્ય તમામ ક્ષેત્રોની સાથે પર્યાવરણની જાળવણીની નેમ સેવીને વન મહોત્સવને લોકભોગ્ય બનાવ્યો હતો. શ્રી નરેન્દ્રભાઈની પ્રેરણાથી દર વર્ષે વન મહોત્સવ તહેત જન ભાગીદારી સાથે ગુજરાતમાં તમામ જિલ્લામાં વૃક્ષોનું વાવેતર શરૂ થયું અને હવે તે એક જન આંદોલન બની ચૂક્યું છે. વધતા જતા વાહનોના કારણે પ્રદૂષણની સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે અને આબોહવા દૂષિત થઈ રહી છે એ હવે લોકો સમજતા થયા છે અને પર્યાવરણના મુદ્દે લોકોમાં જાગૃતિનું સ્તર સતત વધી રહ્યું છે. તેથી જ વૃક્ષારોપણમાં લોકોનો ઉત્સાહ વધી રહ્યો છે, એમ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ઉમેર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે ગ્લોબલ વોર્મિંગ એક વૈશ્વિક સમસ્યા છે, તે બધાને એકસરખી રીતે અસર કરે છે, તેથી તેના ઉકેલમાં પણ તમામ લોકોની ભાગીદારી અનિવાર્ય છે. તેની સામે સૌએ સાથે મળીને લડવું પડશે. આ કાર્યક્રમમાં સ્થાનિક વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણની જાગૃતિ માટે પ્રસંગને અનુરૂપ નાટક, ગીત અને ગરબાની પ્રસ્તુતિ પણ કરવામાં આવી હતી.
આ અવસરે ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન મહેન્દ્રસિંહ સરવૈયા, ગારિયાધારના ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી, ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ વકતુબેન મકવાણા, સિહોર તાલુકા પંચાયતના પ્રમુખ ઇલાબા ગોહિલ, જિલ્લા કલેક્ટર હર્ષદ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ, જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ, આઇએફએસ અધિકારી ડો. સંદીપકુમાર, કર્મશીલ અનુભાઈ તેજાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.