સ્નાતક યુવાનોને માસિક ૩, ડિપ્લોમાને બે હજાર મળશે

753
guj2122018-14.jpg

ગુજરાત રાજયમાં બેરોજગારીની સમસ્યાને લઇ વિપક્ષ કોંગ્રેસ દ્વારા વિધાનસભા ચૂંટણીથી લઇ વિધાનસભા સત્રમાં પણ અવારનવાર સરકાર પર પાડવામાં આવતી પસ્તાળનો જડબાતોડ જવાબ આપવાના હેતુથી સરકાર દ્વારા આજે યુવાનોની રોજગારી અને સશકિતકરણને લઇ કેટલીક મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. આજે રજૂ કરાયેલા બજેટમાં નાણાંમંત્રી નીતિન પટેલે મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજનાની બહુ મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, યુવાનોને રોજગાર અને વ્યવસાયની તકો માટે ૭૮૫ કરોડની જોગવાઇ કરાઇ છે. મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજનાની આકર્ષક જાહેરાત જણાવતાં તેમણે ઉમેર્યું કે, આ યોજના અંતર્ગત સ્નાતક યુવાનોને માસિક ત્રણ હજાર, ડિપ્લોમા ધારકોને માસિક બે હજાર અને ઓછુ ભણેલા હશે તેઓને માસિક રૂ.૧૫૦૦ પ્રોત્સાહક રકમ તરીકે સરકાર દ્વારા એક વર્ષ સુધી ચૂકવવામાં આવશે. આ માટે બજેટમાં વિશેષ પ્રકારે ૨૭૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.  સાથે સાથે સ્વરોજગારીની તકો ઉપલબ્ધ બનાવવા રાજયમાં ૧૨ દૂધાળા પશુફાર્મની સ્થાપના માટે અને ફાર્મ દીઠ રૂ.ત્રણ લાખની સહાય ચૂકવવાની જાહેરાત પણ તેમણે કરી હતી. આ માટે બજેટમાં ખાસ રૂ.૧૪૦ કરોડની જોગવાઇ કરાઇ છે. વાજપાઇ બેન્કેબલ યોજના હેઠળ બજેટમાં ૧૯૭ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. નાણાંમંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, આગામી વર્ષમાં રાજયમાં સરકારના વિવિધ વિભાગોમાં ૩૦ હજાર નવી ભરતી કરવામાં આવશે. મુખ્યમંત્રી ગ્રામોદય યોજના માટે ૬૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. તો, શ્રમ અને રોજગાર વિભાગ માટે બજેટમાં કુલ ૧૭૩૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં આઇટીઆઇના નવીનીકરણ અને સાધનો માટે ૪૦ કરડો, શ્રમિક અન્નપૂર્ણા યોજના માટે ૮૦ કરોડની જોગવાઇ કરાઇ છે. તે અંતર્ગત ૫૧ નવા કેન્દ્રો પણ શરૂ કરવામાં આવશે. જયારે ૨૨ નવા ધન્વંતરિ આરોગ્ય રથ માટે ૧૮ કરોડ ફાળવવામાં આવ્યા છે. 

Previous articleસમાજિક ન્યાય અધિકારિતા કામો પાછળ ૩,૬૪૧ કરોડ
Next articleઉર્જા પેટ્રોકેમિકલ્સને ૮૫૦૦ અને ઉદ્યોગોને ૪૪૧૦ કરોડ