નાણાંમંત્રી નીતિન પટેલે રજૂ કરેલા બજેટમાં ઉર્જા પેટ્રોકેમીકલ્સ વિભાગ માટે રૂ.૮૫૦૦ કરોડ તો, ઉદ્યોગ અને ખાણ-ખનીજ માટે રૂ.૪૪૧૦ કરોડની જોગવાઇ કરાઇ હોવાની જાહેરાત કરી હતી. સરકારે આ વખતના બજેટમાં રાજયમાં ખેડૂતોના કૃષિવિષયક જોડાણો માટે રૂ.૧૯૨૧ કરોડની જોગવાઇ કરાઇ છે, તો સાથે સાથે રાજયમાં જુદા જુદા સ્થળોએ નવા ૧૦૦ સબસ્ટેશન ઉભા કરી વીજપ્રવાહનું માળખું સુદ્રઢ કરવાની જાહેરાત પણ નાણાંમંત્રીએ કરી હતી. ગુજરાત રાજયના વર્ષ ૨૦૧૮-૧૯ના બજેટમાં ઉર્જા પેટ્રોકેમીકલ્સ ક્ષેત્રમાં રૂ.૮૫૦૦ કરોડની જોગવાઇ કરી તેમાં સૌથી વધુ જોગવાઇ ખેડૂતોના વીજજોડાણ માટે કરવામાં આવી છે. ખેડૂતોના કૃષિ વિષયક જોડાણો માટે રૂ.૧૯૨૧ કરોડ ફાળવાયા છે. રાજયના વધુ વિસ્તારોમાં વીજપુરવઠો પહોંચાડવા અને પૂરો પાડવા માટે રૂ.૩૨૦ કરોડની જોગવાઇ કરાઇ છે. તો, સૌર ઉર્જા પંપ મારફતે વીજપુરવઠા માટે રૂ.૧૨૭ કરોડની ફાળવણી કરવામાં આવી છે. રાજયમાં વીજ ઉત્પાદન અંગેની નવી યોજનાઓ માટે રૂ.૨૨૦ કરોડ ફાળવાયા છે, તો, જૂના વીજમથકોના આધુનિકીકરણ માટે રૂ.૨૧૪ કરોડની જોગવાઇ કરાઇ છે. સૌથી મહત્વની જાહેરાત એ હતી કે, રાજયમાં ૧૦૦ જેટલા નવા સબસ્ટેશન ઉભા કરી વીજ પ્રવાહના માળખાને સુદ્રઢ કરવા માટે રૂ.૨૭૫૭ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ જ પ્રકારે રાજયના ઉદ્યોગ અને ખાણ-ખનીજ વિભાગના કામો માટે કુલ રૂ.૪૪૧૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે, જેમાં રાજયમાં ઉદ્યોગોના આયોજનબધ્ધ વિકાસ અને નવી પ્રોત્સાહક નીતિઓ માટે ખાસ પ્રકારકે રૂ.૮૫૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. તો, ધોલેરા સરના વિકાસ માટે વધારાના રૂ.૨૮૦ કરોડ ફાળવવાનું નક્કી કરવામાં આવ્યું છે.