લાજપોર જેલમાં દુષ્કર્મ કેસમાં આરોપી શીવનાથ ઉદીત શર્મા(ઉ.વ.૪૯)ને ૩૦ તારીખે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને હાડકોર બેરેકમાં રાખવામાં આવ્યો હતો. આજે સવારે કેદીઓને બહાર કાઢવાના સમયે બેરેકમાં શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. અને ગળા પર કપડું વીંટાળાયેલું હતું. જેથી લાજપોર જેલના તબીબને જાણ કરવામાં આવી હતી. તબીબે પહોંચી તેને મૃત જાહેર કર્યો હતો. અને સચિન પોલીસને જાણ કરવામાં આવતા પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. શીવનાથની આત્મહત્યા કે હત્યા અંગે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ જાણ થશે. જોકે, સચિન પોલીસ વધુ તપાસ કરી રહી છે.
પાંડેસરા વિસ્તારમાં શ્રમજીવી પરિવાર રહે છે. તેમાં ૬ વર્ષની બાળકી છે. જે ધોરણ એકમાં અભ્યાસ કરે છે. તે શ્રમજીવી પરિવારની બાજુમાં શીવનાથ ઉદીત શર્મા નામનો ૪૯ વર્ષીય આધેડ રહેતો હતો. તેને ૬ વર્ષિય બાળકી પર ૧૯મી તારીખે દુષ્કર્મ આચર્યું હતું. તેના પહેલા પણ આરોપીએ બાળકીને ચોકલેટ આપીને તેની સાથે છેડતી કરી હતી. બાળકીને પ્રાઈવેટ પાર્ટમાં દુઃખાવો થતા તેના માતા-પિતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. ત્યાં ડોક્ટરે એમએલસી કરવાના બદલે પોલીસ સ્ટેશન જવાની સલાહ આપી હતી. શ્રમજીવી પરિવાર પાંડેસરા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. અને ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન ૧૦ દિવસ બાદ આરોપી આધેડની ધરપકડ કરવામાં આવી હતી. અને લાજપોર જેલમાં ખસેડવામાં આવ્યો હતો.