સ્વાતંત્ર્ય પર્વને ધ્યાને રાખીને પાટનગર અને ગાંધીનગર જિલ્લામાં આવેલી તમામ સરકારી કચેરીઓમાં રાબેતા મુજબ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવશે. ત્યારે રાષ્ટ્રીય પર્વ સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ શહેર જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા વધુ ચુસ્ત કરવાના આદેશ છુટયા છે. કલોલમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી થવાની હોવાથી ત્યાં પણ લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. પાટનગરમાં મહાપાલિકા દ્વારા ધ્વજ વંદન યોજાશે તેમાં મેયર રીટાબેન પટેલ રાષ્ટ્ર ધ્વજને સલામી આપશે. જ્યારે રામકથા મેદાનમાં તાલુકા કક્ષાના કાર્યક્રમમાં પ્રભારી સચિવ ઉપસ્થિત રહેશે.
ખાસ રાષ્ટ્રીય દિવસના પગલે ગાંધીનગર શહેરમાં જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા તમામ સરકારી, અર્ધસરકારી અને કેન્દ્ર સરકારની કચેરીઓમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવશે. દરમિયાન સ્વાતંત્ર્ય દિનના સંદર્ભે ગાંધીનગર શહેર અને જિલ્લામાં ૧૫મી ઓગષ્ટ સુધી હાઇ એલર્ટ રહેશે. પાટનગરના તમામ પ્રવેશ દ્વાર પર પોલીસની ટુકડીઓને તૈનાત રાખી દઇને દરેક વાહનોને તપાસવાનો આદેશ અપાયો હોવાથી પોલીસ દ્વારા તારીખ ૧૩મીથી કામગીરી શરૂ કરી દેવાશે અને આ સંદર્ભે જ સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાથી ગાંધીનગર શહેર ઉપરાંત જિલ્લા ભરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી દેવાશે.
જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય દિનનો સમારોહ કલોલમાં યોજાવાનો છે. પરિણામે ત્યાં પણ સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે. રાષ્ટ્રીય પર્વ સંબંધે યોજાનારા તિરંગાને સલામી આપવાના સમારોહમાં રાજ્ય મંત્રી ઉપસ્થિત રહેવાના નથી. આમ છતાં કોઇ અનિચ્છનીય બનાવ બને નહીં તેના માટે પણ પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. ઉપરાંત જિલ્લાના અન્ય તાલુકા મથકોએ પણ સલામતી વ્યવસ્થા વધુ ચુસ્ત બનાવી દેવાના આદેશ કરવામાં આવ્યા છે. ગાંધીનગર શહેરમાં પોલીસ દ્વારા સરકારી કચેરીઓમાં આવતા જતા લોકો પર વોચ રાખવામાં આવે તેવી સુચના આપવામા આવી છે.
રાજ્યપાલના નિવાસસ્થાને એટહોમ કાર્યક્રમ સંદર્ભે પણ સુરક્ષા ગોઠવી દેવામાં આવશે. આ વિશેષ કાર્યક્રમમાં મહાનુભાવો આવતા હોવાથી જ-માર્ગને અન્ય વાહનો માટે બંધ કરી દેવામાં આવશે. તે ઉપરાંત મંત્રી નિવાસ સ્થાન વિસ્તારમાં પણ સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવી દેવામાં આવશે.