સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત જ પાટનગરમાં સૂર્ય ઉર્જા મેળવવા નવી યોજના અમલી થશે. પાટનગરવાસીઓએ અત્યાર સુધી સોશ્યલ મિડીયામાં જ જોયા છે, તેવા એક નહીં પરંતુ ૨૪ સોલર ટ્રી વિવિધ સ્થળે લગાડાશે. સરિતા ઉદ્યાન, બાલોદ્યાન, મુક્તિધામ, વિવિધ સેક્ટરમાં આવેલા રંગમંચ જેવા ૯ સ્થળોની પસંદગી કરાઇ છે. એક સોલર ટ્રીની ક્ષમતા દરરોજ ૬.૫ કિલોવોટ વિજળીના ઉત્પાદ્દન કરવાની રહેશે, પરંતુ તે સુર્યપ્રકાશ આધારીત રહે છે.
જો પૂર્ણ કક્ષાએ સોલર ટ્રીને સુર્ય પ્રકાશ મળી રહે તો ૨૪ વૃક્ષ લેખે દરરોજ ૧૫૬ કિલોવોટ વીજળીનું ઉત્પાદ્ન થાય અને વર્ષે ૫૬,૯૪૦ કિલોવોટ વીજળી આ યોજના અંતર્ગત મેળવી શકાશે. સોલર ટ્રીમાંથી ઉત્પન્ન થતી વિજળી ગ્રીડમાં વહાવી દેવાશે. ડિસેમ્બર ૨૦૧૯ સુધીમાં આ યોજના પૂર્ણ કરવામાં આવશે. નજીકના સમયમાં તેના માટે ટેન્ડર કરાશે અને કોન્ટ્રાક્ટર નિયત થઇ ગયા પછી ત્રણ મહિનામાં કામગીરી પૂર્ણ થઇ શકે છે.
વિજળીના ઉત્પાદન માટે સોલર ટ્રી કોન્સેપ્ટ પર રાજ્યમાં સૌ પ્રથમ ગાંધીનગર રહેશે તેવી ધારણા વ્યક્ત કરાઇ છે. પર્યાવરણ સુરક્ષા અને માનવ આરોગ્યની દુરસ્તી માટે પાટનગરને હરિયાળુ રાખવા પ્રયાસો થાય છે. આ યોજનાથી પણ ઉપરોક્ત પ્રયાસોને બળ મળશે. મહાપાલિકાની સૂર્ય ઉર્જા યોજના અંતર્ગત સોલર ટ્રી અને સરકારી ઇમારતોના ધાબે સોલર પેનલ લગાડીને સોલર પાવર મેળવવાની યોજનાનો કુલ ખર્ચ રૂપિયા ૩. ૯૪ કરોડનો અંદાજાયો છે.
સોલર ટ્રી અને સોલર પેનલની યોજના કાર્યરત થવાના પગલે પ્રાણી માત્ર માટે જીવલેણ સાબિત થઇ ચૂકેલા કાર્બનના ઉત્સર્જનમાં ૧૦, ૧૮૦ ટન જેટલો મોટો ઘટાડો કરવાનું શક્ય બની શકે છે. સોલર ટ્રી, નવો કોન્સેપ્ટ છે અને દુનિયાભરમાં પ્રચલિત થઇ રહ્યો છે. ડિઝાઇનર પોલ પર ૪, ૬ કે ૧૦ જેટલી વિવિધ આકારની સોલર પેનલ એવી રીતે લગાડાશે, કે જેનો આકાર વૃક્ષ જેવો થશે.