એક મહિના પહેલા બનાવેલો ઇન્ફોસીટીનો રોડ ધોવાઇ ગયો

451

ગાંધીનગર ઇન્ફોસીટી પાસેથી પસાર થતો ઘ-૦થી રીલાયન્સ ચાર રસ્તા સુધીના માર્ગને થોડા વખત પહેલા જ નવો બનાવવામાં આવ્યો હતો. આ માર્ગને મુળ સીક્સલેન કરવામાં આવવાને કારણેની સાથે રોડનું રીસરફેસીંગ પણ કરાયું હતું ત્યારે પહેલા જ વરસાદમાં માર્ગની કામગીરીમાં આચરવામાં આવેલી ગેરરીતી ઉડીને આંખે વળગી છે. કાંકરીઓ ઉખડી જવાની સાથે રસ્તા અનબેલેન્સ થઇ ગયા છે.

સામાન્યરીતે ગાંધીનગર તેના રસ્તાના કારણે પણ હવે ઓળખાવવા લાગ્યું છે. અહીંના પાકા અને પહોળા રાજમાર્ગો તમામને આકર્ષે તેવા છે ત્યારે રાજમાર્ગો બનાવવામાં થતો ભ્રષ્ટાચાર અને ગેરરીતીના કારણે અહીના નગરજનો અને વાહન ચાલકોને જ હેરાન થવાનો વારો આવે છે. પહેલા જ સારા વરસાદમાં ચ રોડ ઉપરથી જાણે મેકઅપ ઉતરી ગયો હોય તેમ રોડ પરથી કાંકરીઓ ઉખડવા લાગી હતી ત્યારે આવી જ હાલત એક મહિના પહેલા જ લાખ્ખોના ખર્ચે બનાવવામાં આવેલા ઇન્ફોસીટી રોડની થઇ છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, ઘ-૦થી રીલાયન્સ ચાર રસ્તા સુધીનો માર્ગ ફોરલેન હતો તેને પહોળો કરીને સીક્સલેન કરવાની કામગીરી છેલ્લા ઘણા વખતથી અહીં ચાલતી હતી.

માર્ગને સીક્સલેન કરવાની સાથે આ  રોડનું રીસરફેસીંગ પણ કરવામાં આવ્યું હતું પંરતુ પહેલા જ વરસાદે આ માર્ગના કામમાં થયેલી ગેરરીતી અને ભ્રષ્ટાચાર ઉખડી ગયો હોય તેમ લાગી રહ્યું છે. આ માર્ગ ઉપરથી કાંકરીઓ ઉખડી ગઇ છે તો પહેલા વરસાદમાં રોડ અનબેલેન્સ થઇ ગયો છે. વાહનચાલકો આ કાંકરીઓથી પરેસાન થઇ ગયા છે ત્યારે નગરના માર્ગો બનાવે એક જ મહિનામાં બિસ્માર હાલત થઇ જવા પાછળ જવાબદાર કોણ અને રોડના કોન્ટ્રાક્ટર સામે પગલા ભરાશે કે કેમ તે પ્રશ્ન હાલ ઉઠી રહ્યો છે.

Previous articleપાટનગરમાં ૯ સ્થળે વીજળી ઉત્પન્ન કરતાં ૨૪ સોલર ટ્રી લગાડવામાં આવશે
Next articleદેશ લોકોથી બને છે, જમીનના કોઇપણ પ્લોટથી નહીં : રાહુલ