૭ ઓગસ્ટના રોજ રૂપાણી શાસનના ત્રણ વર્ષ પુરા થઈ રહ્યા છે. જેને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘મન કી બાત’ની માફક ‘મનની મોકળાશ’ નામથી સંવાદ કરવાની શરૂઆત કરશે. મુખ્યમંત્રી ‘મનની મોકળાશ’ કાર્યક્રમની શરૂઆત સૌથી પહેલાં ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો સાથે વાતચીત કરીને કરશે.રાજ્ય સુશાસનના ત્રણ વર્ષની ઉજવણી નિમિત્તે ૭ ઓગસ્ટ-૨૦૧૯ના રોજ ‘‘સંકલ્પ સે સિદ્ધિ કી ઓર અગ્રેસર’’ કાર્યક્રમ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે બપોરે ૧-૦૦ કલાકે યોજાશે. રાજ્ય સરકાર દ્વારા નિર્ણાયક નેતૃત્વના ત્રણ વર્ષ નિમિત્તે મુખ્યમંત્રી સંશોધન પ્રોત્સાહન યોજના, સૂર્ય ઊર્જા રૂફટોપ યોજના, (સૂર્ય-ગુજરાત), મુખ્યમંત્રી કૃષિ યાંત્રીકિકરણ યોજના, પ્રાઇવેટ સ્લમ ડેવલપમેન્ટ માટે પીપીપી પોલીસી અને નમો ઇ-ટેબલેટનું વિતરણ સહિતની વિવિધ જનહિતલક્ષી મહત્વપૂર્ણ કાર્યક્રમોનો પણ શુભારંભ કરાશે.
આમ, બુધવારના કાર્યક્રમના આયોજન માટે સામાન્ય વહિવટ વિભાગ અધિક સચિવ અશોક દવેની સહીથી ૯ જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે. જેમાં અધિક મુખ્ય સચિવથી લઈને અગ્રસચિવ, સચિવ, કમિશનર, ડાયરેક્ટર કક્ષાના ૩૨થી વધુ સિનિયર આઈએએસને જવાબદારી સોંપાવમાં આવી છે. સરકારની ત્રીજી વર્ષગાંઠ ઉજવવાનો નિર્ણય કર્યો ત્યારે શરૂઆતમાં માત્ર ૭,૫૦૦ ખેડૂતોને બુધવારે ગાંધીનગર લાવવાનું નક્કી થયુ હતુ. પરંતુ વરસાદ, વાવણી અને હવે પુર જેવી સ્થિતિને કારણે કૃષિ વિભાગે હાથ અધ્ધર કરતા શિક્ષકો, વિદ્યાર્થીઓ અને શહેરી નાગરીકો માટે શિક્ષણ અને શહેરી વિકાસ વિભાગના સચિવોને આ ટાર્ગેટ સોંપવામાં આવ્યો છે.