મોબાઇલથી ગૃહમાં ફોટો-શુટીંગ કરવુ નહિ ધારાસભ્યોને અધ્યક્ષની કડક સૂચના
વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ગૃહની કાર્યવાહીના ફોટા પાડવાની અને વિડીયો શુટીંગ ઉતારવાની મનાઇ ફરમાવી છે. અમૂક ધારાસભ્યો મોબાઇલ ફોનથી ફોટા-શુટીંગ જેવી પ્રવૃતિ કરતા હોવાની ફરીયાદના અકિલા પગલે તેમણે તમામ ધારાસભ્યોને આવી પ્રવૃતિ સામે કડક તાકીદ કરી છે. સૂચનાનો ભંગ કરનાર સામે કડક પગલાની ચીમકી ઉચ્ચારી છે.
ભાવનગરમાં માત્ર ૧.૪ર લાખ હેકટર જમીનને સિંચાઈનું પાણી ૪.૦પ લાખ હેકટર બાકી
ભાવનગર જિલ્લામાં જમીનમાં સિંચાઈ માટે ૧.૪ર લાખ ૩૯૪ હેકટરને પાણી આપવામાં આવે છે. તેવું સિંચાઈ મંત્રીએ વિરમગામના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડના પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું હતું. તેમણે વધુમાં પૂછયું હતું કે કેટલા હેકટરમાં પાણી આપવામાં આવતું નથી તેના ૪.૦પ લાખ ૭૬૦ હેકટરને સિંચાઈ માટે પાણી આપી શકાતું નથી. આ જમીનમાં સ્ત્રોત ઉપલબ્ધિ તથા સ્થિતિને અનુકુળતા મુજબ અપાશે એવું રાજય સરકારે જણાવ્યું હતું.
એઈમ્સ વડોદરામાં કે રાજકોટમાં વિધાનસભામાં સભ્યો વચ્ચે ખેંચાખેંચ
રાજયમાં એઈમ્સ બનાવવાની સ્થળ પસંદગી અંગે ગૃહમાં રાજકોટ અને વડોદરા બંન્ને તરફથી જે તે વિસ્તારમાં જ આપવામાં આવે તેવી દલીલો કરાઈ હતી.
આ પ્રશ્ન ઉપસ્થિત કરનાર હર્ષદભાઈ રીબડીયાએ એક તબકકે પ્રસ્તાવનાને તળપદી ભાષામાં ઢાળ આપું છું કહેતાં ગૃહમાં હાસ્ય છવાયું હતું. જયારે નીતીનભાઈ પટેલે જવાબ આપતાં પ્રસ્તાવના બાંધી ઢાળ આપુ છું તથા હજી તો પહેલા ગીયરમાં છે તેવા શબ્દો ઉચ્ચારતા ગૃહમાં હળવાશવાળું વાતાવરણ થયું હતું. પરંતુ જગ્યા કેન્દ્રએ નકકી કરવાની હોવાનું તેમણે જણાવ્યું હતું.
અમદાવાદ – પીપળીથી ભાવનગર સુધીના ફોરલેન રસ્તાની કામગીરી શરૂ
અમદાવાદના પીપળીથી ભાવનગર સુધીનો ફોરલેન બનાવવા અંગે ગઢડાના ધારાસભ્ય પ્રવિણભાઈ મારૂએ પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો. જેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, રૂ. ૪૩ર કરોડની વહીવટી મંજૂરી પ માર્ચ ર૦૧૬ માં આપવામાં આવેલ ત્યાર બાદ ૧૬ જુન ર૦૧૬ થી કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ જાહેર કરવામાં આવ્યો હતો જેની કામગીરી નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા આ રસ્તાને ચાર માર્ગીય કરવાની કામગીરી હાથ ધરેલ છે.
કપડવંજનો રિસોર્ટ હોય કે બેંગલોર અડધા તો દેખાતા પણ નથી
ગૃહમાં ઉપસ્થિત પ્રશ્નોત્તરી કાળમાં થતા સમય અંગે પ્રદિપસિંહે ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે અમે પ્રશિક્ષણ વર્ગ રાખીને ધારાસભ્યોને પ્રશિક્ષિત કરીએ છીએ તેમના વર્ગમાં તો અડધા લોકો આવ્યા જ ન હતા અને રિસોર્ટમાં ભલેને તે કપડવંજનો હોય કે બેંગલોર અડધા તો દેખાતા જ નથી તેવો આક્ષેપ કોંગ્રેસ સામે કર્યો હતો. શૈલેષ પરમારે તેનો ઉત્તર આપતા જણાવ્યું હતુ કે છાપા વાંચી બધી વિગતો સાચી માની ન લેવી અને તમે તો આઈબી પાસે નકલી આતંકવાદી પણ શોધી શકો છો. પૂંજાભાઈએ છેલ્લે બેંગલોર તો લોકશાહી બચાવવા ગયા હતા તેવો જવાબ પણ આપ્યો હતો.
ગુજરાત રાજયનું જાહેર દેવું ૧.૯૬ લાખ કરોડે પહોચ્યું
વિધાનસભામાં જુદા જુદા ધારાસભ્યોએ રાજયની નાણાંકીય સ્થિતિ અંગે પૂછયું હતું કે ૩૧ ડિસેમ્બર, ર૦૧૭ ની સ્થિતિએ રાજયનું દેવું કેટલું છે ? તથા તે માટે બે વર્ષમાં કેટલું વ્યાજ ચૂકવવામાં આવે છે.
ઉત્તરમાં નાણામંત્રીએ જણાવ્યું હતું કે, રાજયનું જાહેર દેવું ઉકત સ્થિતિએ ૧.૯૬ લાખ કરોડ ૮૦૯ એ પહોંચ્યું છે. જે માટે બે વર્ષમાં ૩૦પ૭૦ કરોડ વ્યજ પેટે ચૂકવવામાં આવ્યા છે. જેમાં ર૦૧પ-૧૬ માં રૂ. ૧૬,૧૪૪ કરોડ વ્યાજની ચૂકવણી કરવામાં આવી છે.
રાજય સરકારે બે વર્ષમાં ૪૦ હજાર કરોડ લોન લીધી
વિધાનસભામાં પ્રશ્ન ઉપસ્થિત થયો હતો કે રાજય સરકારે ૩૧ ડિસેમ્બર, ર૦૧૭ ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં બજારમાંથી કેટલી લોન લીધી તથા તે કેટલી મુદત માટે લેવામાં આવી.
ઉત્તરમાં નાણાંમંત્રીએ જણાવ્યુ હતું કે, જાહેર બજારમાંથી ભારતીય રિઝર્વ બેંક મારફતે કુલ રૂ. ૪૦,૯૮૦ કરોડ લોન છેલ્લા બે વર્ષમાં લેવામાં આવી છે. જે પૈકી ર૦૧પ-૧૬ માં રૂ. ૧૬,ર૬૦ કરોડ અને ર૦૧૬-૧૭ માં રૂ. ર૪,૭ર૦ કરોડની લોન અનુક્રમે ૧૦ થી ૧પ વર્ષ અને ૦૧ થી ૧૦ વર્ષ માટે લેવામાં આવી છે.
નર્મદા યોજના અન્વયે અન્ય રાજયો પાસે ગુજરાતનું ૬૧૦૦ કરોડ રૂપિયા લેણું
વિધાનસભામાં પ્રશ્ન ઉપસ્થિત થયો હતો કે ગુજરાત રાજય ૩૧ ડિસેમ્બર, ર૦૧૭ ની સ્થિતિએ નર્મદા યોજના અન્વયે કયા રાજયો પાસેથી કેટલી રકમ લેવાની થાય છે. જેના ઉત્તરમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતે અન્ય રાજયો પાસેથી રૂ. ૬૧૦૦ કરોડ જેટલી રકમ લેવાની થાય છે. જેમાં મધ્યપ્રદેશ પાસે રૂ. ૪૧૧પ.૦૬ કરોડ, મહારાષ્ટ્ર પાસે રૂ. ૧૩૯૧.૪૧ કરોડ તથા રાજસ્થાન પાસે રૂ. પ૯૩.૮૩ કરોડ લેવાના થાય છે. આ માટે સરદાર સરોવર કંસ્ટ્રકશન એડવાઈઝરી કમીટીની મીટીંગમાં રજુઆત કરવામાં આવી છે.
૩૦૦૦ અગરિયાને ૨૦ દિવસે એક જ વાર પાણી મળે છે
રણમાં આઝાદી પહેલા મીઠું પકવતા ૩૦૦૦ અગરિયા પરિવારોને ૨૦ દિવસે એક વખત પીવાનું પાણી મળે છે. રણમાં કેટલાક અગરિયા પરિવારોને મજબૂરીને કારણે વિરડામાંથી પીવાનું પાણી લેવું પડે છે એ નરી વાસ્તવિકતા છે. અગરિયા સમુદાય આજેય રણમાં રસ્તા, પાણી અને વિજળીથી વંચિત હોવાથી આજેય ૧૮મી સદીમાં જીવતા હોવાનો ગોઝારો ઘાટ સર્જાયો છે. અગરિયા પરિવારોને પાણી પુરવઠા વિભાગના પાણીના ટેન્કરો દ્વારા ૨૦ દિવસે એક વખત પાણી મળે છે. પાણી પુરવઠા વિભાગ દ્બારા માત્ર ૪ પાણીના ટેન્કરો દ્વારા આખો દિવસ રણના વિવિધ વિસ્તારોમાં અગરિયાઓને ૨૦ દિવસે એક વખત પીવાનું પાણી મળે છે.