શહેરની રચના થયાને પાંચ દાયકા વીતવા છતાં હજુ સુધી ટ્રેનની સુવિધાનો લાભ મેળવવા માટે નગરજનોને વલખાં મારવા પડી રહ્યાં છે. હાલમાં જુજ સંખ્યામાં ટ્રેનોની અવર જવર શરૂ કરવામાં આવી છે. તેમાં પણ છેલ્લા ઘણા સમયથી હોટલની કામગીરી અંતર્ગત મોટી ભાગની ટ્રેનો બંધ કરવામાં આવી છે. જેથી વસાહત મહામંડળ દ્વારા મેયરની મુલાકાત લઇને જણાવવામાં આવ્યું હતું કે, મહાનગરપાલિકા દ્વારા ઠરાવ કરીને રેલ્વે વિભાગને રજૂઆત કરવામાં આવે તો વધુ ટ્રેનોની સુવિધા પ્રાપ્ત થઇ શકે.
ગાંધીનગર શહેરની રચના થયા બાદ હજુ સુધી નગરજનોને પુરતાં પ્રમાણમાં ટ્રેનની સુવિધા પ્રાપ્ત થઇ શકી નથી. ત્યારે વસાહત મહામંડળ દ્વારા અવાર નવાર રજૂઆતો કરાયા બાદ થોડી ઘણી ટ્રેનો કેપિટલ રેલ્વે સ્ટેશન ઉપરથી અવર જવર કરી રહી છે. ત્યારે હોટલની કામગીરી અંતર્ગત છેલ્લા ઘણા સમયથી મોટાભાગની ટ્રેનો બંધ કરવામાં આવી છે. દેશના અન્ય રાજ્યના પાટનગર સાથે કેપિટલ રેલ્વે સ્ટેશન જોડાય તે માટે મહાનગરપાલિકાની રચના થયા બાદ મેયરને પણ રજુઆતો કરવામાં આવી હતી છતાં તે અંગે કોઇ જ કાર્યવાહી કરવામાં નહીં આવતાં નગરજનોને ટ્રેનની સુવિધા માટે વલખાં મારવા પડી રહ્યાં છે. જેથી વસાહત મહામંડળના પ્રમુખ અરૂણ બુચ સહિત અન્ય સભ્યોએ મેયરની મુલાકાત લઇને પુનઃ રજુઆત કરી હતી કે, ૪૦ ટ્રેનો કે જે ખોડીયાર રેલ્વે સ્ટેશનથી પસાર થાય છે તેને વાયા ગાંધીનગર થઇને દોડાવવામાં આવે તેવો ઠરાવ સામાન્ય સભામાં કરીને તેની ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવે તેવી માંગ કરી હતી.
શહેરમાં આવેલી વિવિધ યુનિવર્સિટીઓ તેમજ ખાનગી કંપનીઓ અને સંરક્ષણના એકમોમાં મોટી સંખ્યામાં અન્ય રાજ્યના લોકો ફરજ બજાવી રહ્યાં છે તો વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં અભ્યાસ કરી રહ્યાં છે. તેઓ દ્વારા પણ અનેકવાર રજૂઆતો કરવા છતાં તેનું આજદિન સુધી નિરાકરણ લાવવામાં આવ્યું નથી. જેથી મહાનગરપાલિકાની સામાન્ય સભામાં સર્વાનુમત્તે ઠરાવ કરી રેલ્વે મંત્રીને મોકલી આપી અને તેને અમલ કરાવવાની માંગ કરે તો નગરજનોને પણ પુરતી ટ્રેનની સુવિધા પ્રાપ્ત થઇ શકશે.