દ. ગુજરાતમાં ભારે વરસાદ ચેતવણી

478

દક્ષિણ ગુજરાતના જુદા જુદા ભાગોમાં આજે પણ ભારે વરસાદ થયો હતો. ભારે વરસાદની ચેતવણી હજુ પણ જારી કરવામાં આવેલી છે. ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશના વિવિધ ભાગોમાં મોર્નિક સાયક્લોનિક સરક્યુલેશનની સ્થિતિના પરિણામ સ્વરુપે ભારે વરસાદની ચેતવણી જારી કરાઈ છે. ગુજરાતના જે વિસ્તારોમાં અતિભારે વરસાદ માટેની ચેતવણી જારી કરવામાં આવી છે તેમાં વલસાડ, નવસારી, દાહોદ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત નવસારી, વલસાડ સહિતના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહી શકે છે. સુરત, આણંદ, વડોદરા, તાપી, ભરુચ, નર્મદા, ખેડા, પંચમહાલ અને દાહોદમાં પણ ભારે વરસાદ થઇ શકે છે. રાજ્યના ૫૯ તાલુકાઓમાં વરસાદ થયો છે. મોટાભાગના તાલુકાઓમાં વરસાદે વિરામ લીધો છે. બીજી બાજુ આજે સવારથી જ ૧૪થી વધુ તાલુકાઓમાં વરસાદ થયો છે. કપરાડા અને ઝાલોદમાં અડધો ઇંચ વરસાદ થયો છે. રાજયના ૧૪ તાલુકાઓમાં આજે સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યાં હોવાના અહેવાલ  સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા પ્રાપ્ત થયા છે. જેમાં વલસાડના કપરાડા તાલુકામાં અને દાહોદના ઝાલોદ તાલુકામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે. કપરાડામાં ૧૩ મી.મી., ઝાલોદમાં ૧૧ મી.મી., માંગરોળમાં ૬ મી.મી., સુરતના માંડવીમાં ૪ મી.મી. અને અન્ય ૧૦ તાલુકાઓમાં ૩ મી.મી.થી ઓછો વરસાદ સવારે ૬ થી ૧૦ વાગ્યા સુધીમાં વરસ્યો છે.  દક્ષિણ ગુજરાતમાં આ વર્ષે મેઘરાજાએ જોરદાર મહેર વરસાવી છે. ખાસ કરીને સુરત, નવસારી, કપરાડા, વલસાડ, ડાંગ, ભરૂચ સહિતના પંથકોમાં  છેલ્લા થોડા દિવસોથી મેઘરાજા મન મુકીને વરસી રહ્યાં છે, ત્યારે સીઝનનો કુલ વરસાદ સૌથી વધારે કપરાડા તાલુકામાં ૧૧૧.૦૮ ઇંચ નોંધાયો છે. ત્યારબાદ વાપી શહેરમાં ૯૨.૫૬ ઇંચ વરસાદ અત્યાર સુધીમાં પડી ચૂક્યો છે. આ વર્ષે સૌથી ઓછો વરસાદ ઉમરગામ તાલુકામાં ૬૪.૫૨ ઇંચ થયો છે. જ્યારે કપરાડામાં ગત વર્ષ કરતા વધુ અને બે મહિનામાં ૧૧૧ ઈંચ વરસાદ ખાબક્યો છે. આમ, કપરાડામાં સીઝનનો કુલ વરસાદ જાણે બે મહિનામાં જ નોંધાઇ ગયો છે. વલસાડ જિલ્લામાં આ વર્ષે એક માસમાં સૌથી વધારે વરસાદ પડ્‌યો છે. જુલાઇના બીજા અઠવાડિયાથી ઓગષ્ટની શરૂઆત સુધી મેઘરાજા મન મુકીને વરસ્યાં છે. સ્થાનિક નદીઓમાં પણ ધોડાપુર આવ્યાં છે. સૌથી વધારે વરસાદ કપરાડા તાલુકામાં પડ્‌યો છે. અહીં અત્યાર સુધીમાં ૧૧૧ ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. વરસાદની સીઝન હજુ બાકી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કપરાડામાં ગત વર્ષે ૧૦૬.૭૨ ઈંચ વરસાદ પડ્‌યો હતો અને ગત સીઝન કરતા છેલ્લા બે મહિનામાં કપરાડામાં વધુ વરસાદ પડી ચૂક્યો છે. આ જ પ્રકારે ચાલુ વર્ષે વાપીમાં ૯૨.૫૬ ઇંચ વરસાદ પડયો છે. સદી માટે ૮ ઇંચ જ વરસાદ બાકી છે. વાપીમાં ગત વર્ષે સીઝનનો ૭૯.૪૪ ઈંચ વરસાદ પડ્‌યો હતો. જે આ વર્ષે સીઝનના વરસાદથી પણ વધુ બે મહિનામાં પડી ચૂક્યો છે. તો, આ વર્ષે ધરમપુરમાં ૮૫.૦૪ ઈંચ વરસાદ પડી ચૂક્યો છે. ગત વર્ષે સીઝનનો ૯૮.૯૨ ઈંચ વરસાદ પડ્‌યો હતો.

જ્યારે આ વર્ષે બે મહિનામાં જ ૭૬ ઈંચ પડી ચૂક્યો છે. તો,  આ વર્ષે વલસાડમાં ૬૫.૬૦ ઈંચ વરસાદ પડી ચૂક્યો છે. ગત વર્ષે સીઝનનો ૮૮.૮ ઈંચ વરસાદ પડ્‌યો હતો. જ્યારે આ વર્ષે બે મહિનામાં જ ૬૫ ઈંચ વરસાદ પડી ચૂક્યો છે.

દરમ્યાન આ વર્ષે સૌથી ઓછો વરસાદ ઉમરગામમાં ૬૪.૫૨ વરસાદ નોંધાયો છે. ગત વર્ષે સીઝનનો ૯૦.૭૨ ઈંચ વરસાદ પડ્‌યો હતો. આ વર્ષે ઓછા વરસાદના કારણે ગત વર્ષે જેટલો જ વરસાદ થવાની સંભાવના છે. આમ, આ વખતની ચોમાસાની સીઝનમાં છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ તોડવાની સંભાવના સર્જાઇ છે. આમ તો,  વલસાડ જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં સરેરાશ ૭૮ ઈંચથી ૧૦૦ ઈંચ જેટલો વરસાદ પડે છે. જ્યારે આ વર્ષે સરેરાશ ૮૨ ઈંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. અને આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેને પગલે આ વર્ષે છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ તોડવાની સંભાવનાઓ સેવાઇ રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૫૯ તાલુકાઓમાં વરસાદ થયો છે. મોટાભાગના તાલુકાઓમાં વરસાદે હવે બ્રેક લીધો છે. મળતા અહેવાલ મુજબ વઘઈ તાલુકામાં ૬૭ મી.મી., જયારે વાંસદા અને આહવામાં ૪૮ મી.મી. એટલે કે બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. તો બીજી તરફ ચીખલીમાં ૩૭ મી.મી., સુબિરમાં ૩૫ મી.મી., કપરાડામાં ૩૨ મી.મી., ડોલવણમાં ૩૧ મી.મી.  અને ધરમપુરમાં ૨૬ મી.મી. એટલે કે એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. ગણદેવીમાં ૨૨ મી.મી., નવસારીમાં ૨૦ મી.મી., વ્યારા, જલાલપોર અને ખેરગામમાં ૧૮ મી.મી., સુરતના માંડવીમાં ૧૫ મી.મી., મહુવામાં ૧૪ મી.મી. અને સોનગઢમાં ૧૨ મી.મી. એટલેકે અડધો ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જયારે અન્ય ૪૩ તાલુકાઓમાં અડધા ઈંચથી ઓછો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. રાજયનો ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૬૨.૯૧ ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ રીજીયનમાં ૩૫.૯૮ ટકા, ઉતર ગુજરાતમાં ૩૭.૩૦ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૫૫.૭૬ ટકા, સૌરાષ્ટ્રમાં ૪૯.૨૧ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૯૦.૨૦ ટકા જેટલો સરેરાશ વરસાદ વરસ્યો છે.

 

Previous articleસુષ્માના નિધનથી ભાજપને અપૂર્ણ ક્ષતિ થઇ : વાઘાણી
Next articleસ્ત્રીને અબળા ના કહો….