ભારતીય ટીમ વેસ્ટઇંડીઝ વિરૂદ્ધ ત્રણ મેચોની ટી૨૦ સીરીઝ ૩-૦ થી જીત્યા બાદ હવે વનડે ક્રિકેટ માટે તૈયાર છે. બંને ટીમ વચ્ચે વનડે સીરીઝ નો પ્રથમ મુકાબલો ગુરૂવાર (૮ ઓગસ્ટ)ના રોજ રમાશે. આ ભારત અને વેસ્ટઇંડીઝ બંને વચ્ચે આઇસીસી વર્લ્ડકપ બાદ પ્રથમ વનડે મેચ પણ હશે.
ભારતીય ટીમ સારા ફોર્મમાં છે. એટલા માટે જીતના દાવેદાર તરીકે ઉતરશે. પરંતુ વેસ્ટઇંડીઝ પોતાના ઘર આંગણે રમી રહી છે. એટલા માટે તેને હળવામાં લેવું ભારે પડી શકે છે. આમ પણ તેમનો હાલનો રેકોર્ડ ભલે સારો ન હોય, પરંતુ ઓવરઓલ રેકોર્ડમાં તે ભારત પર ભારે છે.
ભારત અને વેસ્ટઇંડીઝ ૪૪ વર્ષથી વનડે મેચ રમી રહ્યા છે. બંને ટીમો વચ્ચે આ વર્ષમાં ૧૨૭ વનડે મુકાબલા થયા છે. તેમાંથી ૬૨ વેસ્ટઇંડીઝે જીત્યા છે. ભારતના નામે ૬૦ મુકાબલા રહ્યા છે. બે મેચ ટાઇ રહી અને ત્રણના પરિણામ આવ્યા નહી. બંને ટીમો અત્યાર સુધી લગભગ બરાબરીનો મુકાબલો રહ્યો છે. વેસ્ટઇંડીઝે આપણા કરતાં બે મેચ વધુ જીતી છે. પરંતુ ભારત જો સીરીઝમાં ક્લીન સ્વીપ કરે, અથવા ત્રણ મેચ જીતે તો તે વેસ્ટઇંડીઝની ૬૨ જીતથી આગળ નીકળી જાય.
જો આપણે સીરીઝની વાત કરીએ તો બંને ટીમો વચ્ચે ૪૪ વર્ષમાં ૧૯ દ્વિપક્ષીય સીરીઝ રમાઇ છે. તેમાંથી ભારતે ૧૧ અને વેસ્ટઇંડીઝે આઠ સીરીઝ જીતી છે. ભારતે વેસ્ટઇંડીઝે પહેલી સીરીઝ ૧૯૯૪-૯૫માં અઝરૂદ્દીનની કેપ્ટનશિપમાં જીતી હતી. આ પહેલાં રમાયેલી પાંચ દ્વિપક્ષીય સીરીઝ વેસ્ટઇંડીઝના નામે રહી હતી.
જૂનો ઇતિહાસ ભલે વેસ્ટઇંડીઝના નામે હોય, ૨૧મી સદીના રેકોર્ડ ટીમ ઇંડીયાના પક્ષમાં છે. ભારતીય ટીમ વેસ્ટઇંડીઝ સામે વનડે સીરીઝ ૧૩ વર્ષથી હારી નથી. આ ૧૩ વર્ષમાં ભારતે તેને ૮ દ્વિપક્ષીય સિરીઝમાં હરાવ્યું છે. વેસ્ટઇંડીઝે ભારત સામે અંતિમ વનડે સીરીઝ ૨૦૦૬માં જીતી હતી.
ભારત અને વિંડીઝ વચ્ચે ગત પાંચ વર્ષમાં ૧૬ મુકાબલા રમવામાં આવ્યા છે. ભારતે તેમાંથી ૧૦ મુકાબલા જીત્યા છે. જ્યારે વિંડીઝ ફક્ત બે મેચ જીતી શક્યો છે. એક મેચ ટાઇ રહી, જ્યારે ત્રણ મેચના પરિણામ આવ્યા નહી. બંને ટીમ વચ્ચે અંતિમ મુકાબલો તાજેતરમાં જ વર્લ્ડકપમાં થયો હતો. ભારતે આ મેચ ૧૨૫ રનથી જીતી હતી.