અમદાવાદ શહેરમાં પાનના ગલ્લા અને ચાની કીટલીની જેમ ઠેરઠેર પાણીપૂરીની રેંકડી જોવા મળે છે. મહિલાઓમાં પાણીપૂરી ખાસ લોકપ્રિય હોઈ પરપ્રાંતીયોએ અમદાવાદભરમાં પાણીપૂરીની લારીઓ શરૂ કરી છે, જોકે મ્યુનિ. કોર્પોરેશનના કાયદા મુજબ પાણીપૂરીના ધંધાર્થીએ ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-ર૦૦૬ હેઠળ રજિસ્ટ્રેશન કરાવવું ફરિજયાત છે.
પરંતુ શહેરના ઇતિહાસમાં પહેલી વાર મ્યુનિ. હેલ્થ વિભાગના ફૂડ સેફટી અધિકારી ઓન ફિલ્ડ ઊતરીને પાણીપૂરીના ધંધાર્થીનો મોબાઇલ નંબર સહિતનો સર્વે ગઇ કાલથી હાથ ધર્યો છે.ચોમાસામાં પાણીજન્ય રોગચાળા પર કાબૂ મેળવવા ખાણી-પીણીનો ધંધા કરતા વેપારીઓએ ફરિજયાતપણે એપ્રન, માથાના વાળ ઢંકાય તે પ્રકારની કેપ અને હાથ મોજાં ફરિજયાત પહેરવાનો આદેશ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આપ્યો છે.
રાજ્ય સરકારના આદેશના પગલે મ્યુનિ. તંત્ર હરકતમાં આવ્યું છે. તાજેતરમાં તંત્ર દ્વારા હાટકેશ્વર, વાડજ, બહેરામપુરા, ઓઢવ, ઠક્કરનગર, રોડ એસોસિયેશનનાં ધંધાર્થીઓને આરોગ્ય ભવન ખાતે આ અંગે ખાસ તાલીમ અપાઇ હતી.
આશરે ૩૦૦ ધંધાર્થીઓને એપ્રન, માથાના વાળ ઢંકાય તે પ્રકારની કેપ, હાથ મોજાં અને માસ્કનો સેટ મફત અપાયો હતો.