પાલીતાણાના લુવારવાવ ગામ પાસે અતુલ રીક્ષા પલ્ટી ખાઈ જતા રીક્ષામાં સવાર નવ વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ થવા પામી હતી. જ્યારે વૃધ્ધાનું ઘટનાસ્થળે મોત નિપજવા પામ્યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ પાલીતાણા તાલુકાના લુવારવાવ ગામે રહેતા રાઘવભાઈ માધાભાઈ કુવાડ (કોળી)એ પાલીતાણા પોલીસ મથકમાં ફરિયાદ આપી છે કે તેમનો પુત્ર હરેશ ઉર્ફે ટીણો રાઘવભાઈ કુવાડ તેની રીક્ષા નં.જીજે૪ વાય ૪૧૬૭માં ૯ વ્યક્તિને બેસાડી લુવારવાવ ગામેથી પાલીતાણા તરફ જતો હતો ત્યારે પાલીતાણા રોડ પર તળાવ પાસે રીક્ષા રોડ નીચેથી ઉતરી જતા પલ્ટી ખાઈ જતા રીક્ષામાં સવાર કિશોરભાઈ, રમેશભાઈ, જયદિપભાઈ, લતાબેન, બાવુબેન સહિત ચાલકના સંબંધી અંબાબેન અને અન્ય ચાર વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. જેમાં રીક્ષા ચાલક હરેશ ઉર્ફે ટીણાના સંબંધી અંબાબેન માધાભાઈ કુવાડ ઉ.વ.૭૦ને ગંભીર ઈજાઓ થતા ઘટનાસ્થળે મોત નિપજવા પામ્યું છે. જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને પાલીતાણા તથા ભાવનગર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. બનાવ અંગે પાલીતાણા ટાઉન પોલીસે રીક્ષા ચાલક હરેશ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.