મહારાષ્ટ્રના કોલ્હાપુર-સાંગલીમાં પૂરથી વિનાશ : ૨૬ લોકોનાં મોત

379

મહારાષ્ટ્રમાં કોલ્હાપુર અને સાંગલી જિલ્લાઓમાં વરસાદી આફતે હાહાકાર મચાવ્યો છે.

કોલ્હાપુરમાં ૧૪ જણનાં મરણ થયાં છે જ્યારે સાંગલી જિલ્લામાં બચાવ કામગીરીની એક બોટ ઊંધી વળી જતાં ૧૪ જણ ડૂબી ગયાં હતા. આ બંને જિલ્લામાં વરસાદે છેલ્લા એક અઠવાડિયામાં વ્યાપક વિનાશ વેર્યો છે.

ફડણવીસે પૂરગ્રસ્ત વિસ્તારોનું હેલિકોપ્ટરમાંથી નિરીક્ષણ કર્યું હતું. સાતારા તથા પુણે જિલ્લાઓમાં પણ ભારે વરસાદે લોકોને મુસીબતમાં મૂકી દીધાં છે.

ફડણવીસે કહ્યું કે કોલ્હાપુર, સાંગલીમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર છે. યોગ્ય સમયે આ વિસ્તારમાં રાષ્ટ્રીય આફતની જાહેરાત કરવામાં આવશે.

સાંગલી જિલ્લાના બ્રહ્મનાળ ગામમાં આજે સવારે એક રેસ્ક્યૂ બોટ ઊંધી વળી જતાં ૧૨ જણ ડૂબી ગયાં હતાં. પૂરમાં ફસાયેલા ૩૦ જેટલા ગામવાસીઓને તે બોટમાં બેસાડવામાં આવ્યા હતા, પરંતુ બોટમાં સંતુલન ગુમાઈ જતાં તે ઊંધી વળી ગઈ હતી.

૧૫ જેટલા લોકોને બચાવી શકાયા હતા. પૂરનાં પાણીમાં ડૂબી ગયેલા અન્ય લોકોની શોધ ચાલુ હતી.

ફડણવીસે કહ્યું કે કોલ્હાપુરમાં પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ૧૩ ટીમ, ભારતીય લશ્કરની એક કોલમ, નૌકાદળની ૧૪ ટીમ, કોસ્ટ ગાર્ડની એક ટીમ, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની એક ટીમ, હવાઈ દળ તથા સ્થાનિક એજન્સીઓનાં મળીને ૧૦ હજારથી વધુ જવાનો તહેનાત કરવામાં આવ્યા છે.

Previous articleરેત ચીત્રથી સુષ્માજીને શ્રધ્ધાંજલી
Next articleભારત સાથે સમજોતા એક્સપ્રેસ ટ્રેન સેવા પાકિસ્તાન દ્વારા રદ કરાઈ