દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારો, ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના પણ કેટલાક જિલ્લાઓમાં આજે અતિભારે વરસાદ જારી રહ્યો હતો. ભારે વરસાદના કારણે જનજીવન ઉપર માઠી અસર થઇ હતી. જો કે, આજે છોટાઉદેપુરમાં ભારે વરસાદના કારણે ચારેબાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. છોટાઉદેપુરમાં નવ ઇંચથી પણ વધુ વરસાદ ખાબકી જતાં હાલત કફોડી બની ગઈ હતી. છોટાઉદેપુરમાં નવ ઇંચથી વધુ વરસાદ થતાં ઘરોમાં પણ પાણી ઘુસી ગયા હતા. લોકોને લોકોને ઘરમાં જ રહેવાની ફરજ પડી હતી. બીજી બાજુ ક્વાંટમાં સાત ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો હતો. નર્મદાના અનેક વિસ્તારોમાં પણ વધારે વરસાદ થયો હતો. આ ઉપરાંત પાવીજેતપુરમાં પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે. દાહોદના જુદા જુદા વિસ્તારોમાં પણ અતિભારે વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી અકબંધ રાખી છે. પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદમાં હજુ પણ અતિભારે વરસાદ પડવાની ચેતવણી અપાઈ છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં અમદાવાદમાં પણ આવતીકાલે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થતા વાતાવરણમાં પલ્ટો આવશે. વરસાદની આગાહીના પગલે તંત્ર દ્વારા એનડીઆરએફની ૧૭ ટીમો અલગ-અલગ વિસ્તારોમાં તહૈનાત કરવામાં આવી છે. તો, વડોદરામાં પણ જિલ્લા વહીવટી તંત્રએ એલર્ટના આદેશો જારી કરી દીધા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, દક્ષિણ ગુજરાત તેમજ બંગાળની ખાડીના ઉત્તર-પશ્ચિમ, દક્ષિણ છત્તીસગઢ અને દક્ષિણ ઓડિશામાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય બની છે. આ વરસાદી સિસ્ટમથી આજથી ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવાનો છે. આજથી આગામી પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિત રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. તો આવતીકાલે અમદાવાદ સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ જ પ્રકારે ચારથી પાંચ દિવસ દરમ્યાન વડોદરા, સુરત, નર્મદા, ભરૂચ સહિતના વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો તા.૧૦મીએ સમગ્ર સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે. બીજી તરફ પૂરગ્રસ્ત જિલ્લાઓમાં બચાવ કામગીરી માટે એનડીઆરએફની ૧૭ ટીમો સ્ટેન્ડ બાય કરવામાં આવી છે. દરમ્યાન ગુજરાતમાં ગત વર્ષની સરખામણીમાં સીઝનનો સરેરાશ ૬૩.૩૮ ટકા વરસાદ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૨ જિલ્લાઓના ૮૪ તાલુકામાં હળવો વરસાદ નોંધાયો છે.
જેમાં સૌથી વધુ છોટાઉદેપુરના ક્વાંટમાં ૧૦ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આજે સવારે ૬ વાગ્યેથી ૧૦ વાગ્યા સુધીમાં લીમખેડામાં ૪૦મિમી, ક્વાંટમાં ૩૨મિમી, છોટાઉદેપુરમાં ૨૯મિમી, ધાનપુરમાં ૨૯મિમી, ગોધરામાં ૨૭મિમી અને દેવગઢ બારિયામાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદથી આજ સુધી સીઝનનો ૬૩.૬૮ ટકા વરસાદ વરસ્યો છે. જેના કારણે ગુજરાતના ૨૦૪ જળાશયોમાંથી ૩૬ જળાશયો ૨૫થી ૫૦ ટકા ભરાયા છે. જ્યારે ૧૦ જળાશયો છલકાયા છે. તેમજ ૧૦ જળાશયો ૭૦થી ૧૦૦ ટકા અને ૧૭ જળાશયો ૫૦થી ૭૦ ટકા ભરાયા છે. સરદાર સરોવર જળાશય કુલ સંગ્રહશક્તિના ૬૯.૪૨ ટકા ભરાયું છે. અત્યાર દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૯૦.૫૨ ટકા વરસાદ થયો છે. ગુજરાતમાં હજુ સુધી ૬૩.૬૮ ટકા સુધીનો વરસાદ થયો છે.