ચકચારભર્યા ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં પૂર્વ ડીજીપીને બહુ મોટી રાહત આપતાં અત્રેની સીબીઆઇ સ્પેશ્યલ કોર્ટે આ કેસમાંથી તેમને બિનતહોમત છોડી મૂકતો ખૂબ જ મહત્વનો આદેશ કર્યો છે. ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં બિનતહોમત છૂટનાર નિવૃત્ત ઇન્ચાર્જ ડીજીપી પી.પી.પાંડે સૌપ્રથમ અધિકારી છે. ચકચારભર્યા ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં ગુજરાતના નિવૃત્ત ઇન્ચાર્જ ડીજીપી પી.પી.પાંડેની આ કેસમાંથી પોતાને બિનતહોમત છોડી મૂકવા અંગેની ડિસ્ચાર્જ અરજીની સુનાવણી પૂર્ણ થઇ જતાં સ્પેશ્યલ સીબીઆઇ કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો, જે આજે ખુલ્લી અદાલતમાં જાહેર કરી કોર્ટે પી.પી.પાંડેને બહુ મોટી રાહત આપી હતી અને તેમની ડિસ્ચાર્જ અરજી મંજૂર કરી હતી. સીબીઆઇ કોર્ટના આ ચુકાદાને આવકારતાં પી.પી.પાંડેએ જણાવ્યું હતું કે, સીબીઆઇ કોર્ટનો આજનો ચુકાદો ગુજરાત પોલીસ માટે બહુ મોટી રાહત અને આશાના સમાચાર છે.
ઇશરત કેસમાં ગુજરાતના નિવૃત્ત ઇન્ચાર્જ ડીજીપી પી.પી.પાંડે દ્વારા દાખલ કરાયેલી આ ડિસ્ચાર્જ અરજીમાં અગાઉ ઇશરતની માતા શમીમાકૌસરે પણ અરજી કરી તેને આ કેસમાં પક્ષકાર તરીકે જોડવા માંગણી કરી હતી, જેને કોર્ટે અગાઉ ગ્રાહ્ય રાખી હતી. શમીમા કૌસર દ્વારા પાંડેની ડિસ્ચાર્જ અરજીનો સખત વિરોધ પણ અગાઉ કરાયો હતો. ઉચ્ચ પોલીસ અધિકારી પી.પી.પાંડેએ પોતાને એ કેસમાંથી બિનતહોમત છોડી મૂકવા દાદ માંગતી કરેલી ડિસ્ચાર્જ અરજીમાં એ મતલબની રજૂઆત કરી હતી કે, અરજદારની આ કેસમાં કોઇપણ પ્રકારે સંડોવણી કે જવાબદારી બનતી નથી કે તેમની વિરૂધ્ધમાં કોઇ પ્રથમદર્શનીય ગુનો પણ પ્રસ્થાપતિ થતો નથી. ખાસ કરીને કેસના ૧૦૫ સાક્ષીઓ કે જેઓને કોર્ટ રૂબરૂ તપાસવામાં આવ્યા છે, તેમાંથી કોઇએ પણ અરજદારનું નામ આરોપી તરીકે આપ્યુ નથી કે જણાવ્યું નથી. આમ, તેમની આ કેસમાં સીધી કે આડકતરી સંડોવણી જ નથી. આ સંજોગોમાં તેમને આ કેસમાંથી બિનતહોમત છોડી મૂકવા જોઇએ. તેમની કામગીરીને ધ્યાનમાં લઇને જ ગુજરાત સરકારે તેમને નિવૃત્તિ બાદ પણ રાજય પોલીસમાં ઇન્ચાર્જ ડીજીપી પદે પુનઃસ્થાપિત કર્યા હતા, તેથી કોર્ટે તે બાબત પણ ધ્યાને લેવી જોઇએ. પાંડેએ એ મુદ્દે પણ કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે, આ કેસમાં સીબીઆઇ દ્વારા દાખલ કરાયેલા પૂરવણી ચાર્જશીટમાં નિવૃત્ત સ્પેશ્યલ આઇબી ડાયરેકટર રાજેન્દ્રકુમારનું નામ આરોપી તરીકે દર્શાવ્યું હોવાછતાં હજુ સુધી તેને કોર્ટના રેકર્ડ પર લવાયા નથી. અરજદારને ખોટી રીતે આ કેસમાં સંડોવી દેવાયા છે અને તેમની વિરૂધ્ધ કોઇ ગુનો બનતો નહી હોવાથી કોર્ટે તેમને આ કેસમાંથી બિનતહોમત છોડી મૂકવા જોઇએ. આ દલીલો ગ્રાહ્ય રાખી સીબીઆઇ કોર્ટે ઉપરમુજબ મહત્વનો ચુકાદો જાહેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, સીબીઆઇએ ૨૦૧૩માં દાખલ કરેલા પ્રથમ ચાર્જશીટમાં પી.પી.પાંડે, ડી.જી.વણઝારા, જી.એલ.સિંઘલ સહિતના રાજયના સાત ઉચ્ચ પોલીસ અધિકારીઓના નામો સામેલ કર્યા હતા, જેને લઇ જબરદસ્ત ખળભળાટ મચી ગયો હતો. ગત તા.૧૫-૬-૨૦૦૪ના રોજ ઇશરત જહાં, તેના મિત્ર જાવેદ શેખ ઉર્ફે પ્રણેશ પિલ્લાઇ અને અન્ય બે શખ્સો સાથે કોતરપુર વોટર વર્કસ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે ક્રાઇમબ્રાંચ સાથેના એન્કાઉન્ટરમાં આ ચારેય જણાં માર્યા ગયા હતા. ઉલ્લેખનીય છે કે, ઇશરત કેસમાં ધરપકડ બાદ પી.પી.પાંડેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જો કે, જામીન પર મુકત થયા બાદ તેમને સર્વિસમાં પરત લેવામાં આવ્યા હતા. એ પછી સરકારે તેમને નિવૃત્તિ બાદ પણ એક્ષ્ટેન્શન આપ્યું હતું અને ઇન્ચાર્જ ડીજીપી બનાવ્યા હતા. જો કે, બાદમાં સુપ્રીમકોર્ટમાં થયેલી એક પિટિશનની સુનાવણીમાં સુપ્રીમકોર્ટે તેમનું એક્ષ્ટેન્શન રદ કરી તાત્કાલિક હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ કર્યો હતો. ઇશરત કેસમાં પી.પી.પાંડે ૧૮ મહિનાનો જેલવાસ ભોગવી ચૂકયા છે. સમગ્ર મામલાની આજે પોલીસ બેડામાં પણ ચર્ચા જોવા મળી હતી.