સ્પોટ્ર્સ સેક્રેટરી રાધેશ્યામ ઝુલાનીયાએ શુક્રવારે કહ્યું હતું કે ઇન્ડિયન ક્રિકેટ બોર્ડે નાડાને ક્રિકેટર્સનો ડોપિંગ ટેસ્ટ લેવાની છૂટ આપી છે. વર્ષોથી બીસીસીઆઈ નાડાથી દૂર ભાગી રહ્યું હતું, પરંતુ હવે તેમણે પોતાનું વલણ બદલવું પડ્યું છે. સ્પોટ્ર્સ સેક્રેટરી શુક્રવારે બીસીસીઆઈના સીઈઓ રાહુલ જોહરીને મળ્યા હતા. તેમણે કહ્યું હતું કે બોર્ડે લેખિતમાં આપ્યું છે કે તે નાડાની એન્ટી ડોપિંગ પોલિસીને ફોલો કરશે.
ઝુલાનીયાએ કહ્યું હતું કે હવે નાડા તમામ ક્રિકેટર્સનો ડોપિંગ ટેસ્ટ લેશે. ભૂતકાળમાં બીસીસીઆઈએ અમારી સમક્ષ ક્વોલિટી અંગેની ફરિયાદ કરી હતી. તેમણે કહ્યું હતું કે તેમને ટેસ્ટિંગ કીટ, પેથોલોજીસ્ટ અને સેમ્પલ કલેક્શનની રીતથી પ્રોબ્લમ છે. અમે તેમને ખાતરી આપી છે કે તેમને જોઈએ તે હિસાબે બધી ફેસેલિટી આપવામાં આવશે. પરંતુ તેમણે નાડાને ફોલો કરવું પડશે, તે દેશની અન્ય સ્પોર્ટીંગ બોડીથી અલગ નથી. ભૂતકાળમાં બીસીસીઆઈની દલીલ હતી કે તે ઓટોનોમસ બોડી છે. તે નેશનલ સ્પોટ્ર્સ ફેડરેશન નથી અને સરકારના ફંડિંગ પર નિર્ભર નથી, તેથી તે નાડાને ફોલો કરશે નહીં.
તાજેતરમાં ભારતીય ક્રિકેટ ટીમના ઉભરતા સિતારા પૃથ્વી શોને પ્રતિબંધિત દવાઓનું સેવન કરતા બેન મુકવામાં આવ્યો હતો. તે ૧૫ નવેમ્બર સુધી ક્રિકેટથી દૂર રહેશે. જોકે બીસીસીઆઈએ પોતાની પ્રેસ રિલીઝમાં સ્પષ્ટતા કરી હતી કે શોએ ભૂલથી તે દવાઓ લીધી હતી. સામાન્ય રીતે તે પદાર્થ કફ સિરપમાં જોવા મળે છે અને તે સામાન્ય ભૂલ હતી.