અમદાવાદ શહેરમાં ઘાટલોડિયાનાં ચાણક્યપુરી વિસ્તારમાં સેક્ટર-૩માં આ યુવતી બે ભાઇ, માતા સાથે રહે છે. યુવતીનાં ભાઇઓ વ્યવસાયે ચપ્પલ બનવવાનું કામ કરે છે. તેમના ઘરની સામે જ ફેશન કિંગ નામની કનુ સિંગાડીયાની દુકાન આવેલી છે. ચપ્પલ બનાવવાનું કામ હોવાથી બંન્ને વચ્ચે વેપારી સંબંધ હતા. યુવતીની તાજેતરમાં જ રાજસ્થાન ખાતે સગાઈ કરી છે. ૩૦ જુલાઈનાં રોજ કનુ આ યુવતીના ઘરે આવીને ધમકી આપતા કહ્યું હતું કે ’ તમે જ્યાં સગાઈ કરી છે ત્યાં છોકરાને મેં કહી દીધું છે કે આ મારી મંગેતર છે. તેની સાથે લગ્ન કરવાના છે. જો તમે બીજી જગ્યાએ લગ્ન કરાવ્યા તો યુવતીને ઉઠાવી જઈ ગેંગરેપ કરીશ.’
જે બાદ યુવક અવારનવાર આવી ધમકી આપતો હતો. જેનાથી કંટાળીને યુવતીએ ધાબા પરથી કૂદી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવતીને તતાકાલિક સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઉપરથી નીચે પડતા તેની કમર અને એક હાથ તૂટી ગયો હતો.
યુવતીનાં ભાઈએ જણાવ્યું કે અસારવા સિવિલ હોસ્પિટલમાં મારી બહેનને લઈ ગયા બાદ સોલા પોલીસ ત્યાં આવી હતી. માત્ર એક કાગળમાં સહી કરાવી લીધી હતી. ડાઇંગ ડિકલેરેશન નથી લીધું છતાં તેઓ લઇ લીધું તેમ કહી જતા રહ્યા હતા. પોલીસ કોઈ માહિતી આપતી નથી. મારી બહેનને હોસ્પિટલમાં લઈ ગયા બાદ પણ અમને ધમકી આપવામાં આવી હતી કે પોલીસને એવું લખાવજો કે વાળ ઓળતા નીચે પડી ગઈ હતી. સોલા પોલીસે પણ કશું કર્યું નથી.