કલોલ પંથકમાં આપઘાતના ત્રણ બનાવોને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. જેમાં સાંતેજનો યુવાન અને ધાનોટની મહિલાએ ગળેફાંસો ખાઇને જીવનલીલા સંકેલી લીધી હતી. જ્યારે પીયજ પાસેની નર્મદા કેનાલમાંથી કુડાસણની મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. આપઘાતના ત્રણેય બનાવોને પગલે પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જિલ્લાના કલોલ તાલુકામાં આપઘાતના ત્રણ બનાવોને પગલે પોલીસ સતત દોડતી રહી હતી. જોકે આપઘાતના બે બનાવો ગળેફાંસોના અને એક નર્મદા કેનાલમાંથી મહિલાના મૃતદેહ મળી આવ્યો હતો. આપઘાતના બનાવો અંગે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કલોલ તાલુકાના સાંતેજ ગામની કોઠારી ચોકડી પાસે રહેતા સુમેરસિંહ પ્યારેલાલ કુશવાહા (ઉ.વ.૪૦)એ ગત તારીખ ૭મી, બુધવારના રોજ અગમ્ય કારણસર પોતાના ઘરે ગળે ફાંસો ખાઇને જીવન ટુંકાવ્યું હતું. યુવાનના આપઘાતને પગલે ઘટનાસ્થળે દોડી આવેલી સાંતેજ પોલીસે મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલીને યુવાનના આપઘાતને પગલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આપઘાતના અન્ય એક બનાવ ધાનોટ ગામમાં રહેતી રેખાબેન રજનીકાન્ત સોલંકીએ અગમ્ય કારણસર પોતાના ઘરે ગળે ફાંસો ખાઇને જીવનલીલા સંકેલી લીધી હતી. પોલીસે મહિલાના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટ માટે મોકલીને મહિલાએ કયા કારણસર આપઘાત કર્યો છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરીને છે.
જ્યારે કલોલ તાલુકાના પીયજ ગામમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી એક મહિલાનો મૃતદેહ તરતો હોવાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી. કેનાલમાંથી મહિલાના મૃતદેહને બહાર કઢાવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. મૃતક મહિલાનું નામ કંચનબેન ઓમપ્રકાશ મહેતા (ઉ.વ.૪૦) રહે. કુડાસણ, તા.જી.ગાંધીનગર ખાતે રહેતા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. મહિલાના આપઘાત અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.