ગાંધીનગર જિલ્લાના દહેગામ, કલોલ અને માણસાની કુલ- ૪૩૯ પ્રાથમિક શાળાઓમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. માતૃભાષા દિનની ઉજવણી નિમિત્તે શાળાઓમાં નિબંઘ, કવિઝ, ચિત્ર અને શબ્દ રમતો જેવી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગાંધીનગર જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં બાળકો આપણી માતૃભાષાનું ગૌરવ સમજે તેવા ઉમદા આશયથી આજરોજ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. જેમાં શાળાઓમાં પ્રાર્થના સભામાં શિક્ષકો દ્વારા વિધાર્થીઓને ગુજરાતી માતૃભાષા પ્રત્યે વિધાર્થીઓમાં જાગૃતિ આવે તથા ભાષા શુદ્ધ કરવા જોડણીદોષ દૂર થાય તેની પર ભાર મુકવામાં આવ્યો હતો. તે ઉપરાંત ધણી શાળાઓમાં ગુજરાતી ભાષાના લેખકો અને કવિઓ વિષે બાળકોને માહિતી આપવામાં આવી હતી.
દહેગામની ૨૨૦, કલોલની ૧૧૯ અને માણસાની ૧૦૦ શાળાઓમાં વિશ્વ માતૃભાષાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દેહગામની ૨૨૦ શાળાઓમાં ૭,૭૭ર વિધાર્થીઓ, કલોલની ૧૧૯ શાળાઓમાં ૨૨, ૫૬૪ વિધાર્થીઓ અને માણસાની ૧૦૦ શાળાઓમાં ૧૨, ૭૭૧ વિધાર્થીઓ મળી કુલ- ૪૩,૧૦૭ વિધાર્થીઓએ નિબંધ, કવીઝ/ વકૃતત્વ, ચિત્ર/સંગીત અને શબ્દ રમતની સ્પર્ધામાં ભાગ લીધો હતો, તેવું જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું છે.