મચ્છરોનું બ્રિડીંગ મળી આવતા ૧૧ સાઇટને નોટિસ ફટકારાઇ

474

ગાંધીનગર શહેરની આસપાસના વિસ્તારોમાં બાંધકામ સાઇટ ચાલી રહી છે.જ્યાં પાણી ભરાઇ રહેવાને કારણે ત્યાં મચ્છરો પેદા થાય છે. જે મેલેરિયા સહિત અન્ય વાહકજન્ય રોગચાળો ફેલાઇ શકે છે.ત્યારે ગાંધીનગર જિલ્લા મેલેરિયા વિભાગ દ્વારા ગાંધીનગર તાલુકા સહિત સમગ્ર જિલ્લાની બાંધકામ સાઇટમાં આજે ચેકીંગ કરવામાં આવ્યું હતું જે અંતર્ગત ગાંધીનગર તાલુકાની ૧૧ સાઇટ પરથી મચ્છરોના બ્રીડીંગ મળી આવ્યા હતા.જેથી અધિકારી દ્વારા તુરંત જ ત્યાં દવાના છંટકાવ સહિત જે તે કોંન્ટ્રાક્ટરને લેખીતમાં ખાસ સુચનાઓ આપી દિધી હતી. આ બાંધકામ સાઇટોના કારણે આસપાસના રહેણાંક વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે જે જોખમી છે.

ચોમાસામાં મચ્છરજન્ય રોગચાળો ફાટી ન નીકળે તે માટે મેલેરિયા વિભાગ દ્વારા અગાઉથી જ કામગીરી શરૂ કરી દીધી હતી.ગાંધીનગ જિલ્લામાં થયેલા એક સર્વે મુજબ રહિશો કરતા રાજસ્થાન,પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને દાહોદ- ગોધરા જેવા આરોગ્યની દ્રષ્ટિએ અતિ સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાંથી આવતા મજુરોમાં મેલેરિયાના લક્ષણો વધુ જોવા મળ્યા છે. આરોગ્યના વિભાગના સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં બાંધકામની સાઇટો ચાલે છે. જેમાં સેંકડોની સંખ્યામાં મજુરો કામ કરે છે. તેમનું લોહીનું પરીક્ષણ કરવાનું શરૂ કરી દીધું છે. મેલેરિયા,ડેન્ગ્યું અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોના દર્દીઓ વધે તે પહેલા જ આ વખતે મેલેરિયા વિભાગે મેલેરિયાના રોગચાળા માટે જવાબદાર એવા બાંધકામ સાઇટ પર ખાસ દેખરેખ અને તકેદારીનો આગ્રહ રાખવામા આવી રહ્યો છે. જે અંતર્ગત અગાઉ દરેક બાંધકામ સાઇટના કોન્ટ્રાક્ટરોને મચ્છરો પેદા ન થાય તે માટે સાઇટમાં પાણી ન ભરાઇ રહે તે માટેની લેખિત જાણ કરવામાં આવી હતી.

જેમાં મચ્છરોનું ઉત્પત્તી સ્થાન એવા પાણીમાં સમયાંતરે દવા અને ઓઇલ નાંખવા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું. ત્યારે ગાંધીનગર જિલ્લા આરોગ્ય અધિકારીની સુચનાને પગલે ગાંધીનગર જિલ્લા મેલેરિયા ટીમે આજે ગાંધીનગર તાલુકા અને જિલ્લાની તમામ બાંધકામ સાઇટોમાં ચેકિંગ કર્યું હતું. આરોગ્ય વિભાગમાંથી મળતી માહિતી પ્રમાણે, કુલ ૨૨૧થી પણ વધારે સાઇટમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને ગાંધીનગર તાલુકાની ૧૧ સાઇટોમાં મોટા પ્રમાણમાં મચ્છરોનું બ્રિડીંગ મળી આવ્યું હતું.જેમાં કુડાસણની ચાર , અડાલજ-ભાટ વિસ્તારની બે-બે જ્યારે રાંદેસણ અને રાયસણની એક-એક સાઇટનો સમાવેશ થાય છે. જેથી આ સાઇટના કોન્ટ્રાક્ટરોને બોલાવીને મૌખિક સુચના આપ્યા ઉપરાંત લેખીતમાં પણ તકેદારી અને સાવચેતીના પગલાં અંગે સુચના આપવામાં આવી હતી.

એટલુ જ નહીં,તંત્ર દ્વારા જિલ્લાની બાંધકામ સાઇટોને લેખીતમાં સુચના આપવા છતા આવી સાઇટોમાં જો મચ્છરનું ઉત્પત્તિ સ્થાન મળી આવશે તો તંત્ર દ્વારા આવી સાઇટોને તાત્કાલિક ધોરણે સીલ કરી દેવામાં આવશે.

Previous articleવાણિજ્ય હેતુનાં વાહનો પર હવે તવાઇ આવશે
Next articleગુલામનબી બાદ હવે યેચુરીને કસ્ટડીમાં લેવાયા : પાર્ટી ખફા