પ્રથમવાર નર્મદા ડેમના ૨૪ દરવાજાઓ ખોલાયા

619

ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમની જળ સપાટી સૌપ્રથમવાર ૧૩૧.૨૦ મીટરે પહોંચ્યા બાદ ઇતિહાસમાં સૌપ્રથમવાર ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા. જેને પગલે રાજયના પ્રજાજનોમાં ભારે ખુશીની લાગણી છવાઇ ગઇ હતી. ખાસ કરીને રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ દ્વારા માતાજીની ચૂંદડી અને નાળિયેર નર્મદાના નીરમાં વહાવી નર્મદા માતાના ભારે શ્રધ્ધાપૂર્વક વધામણાં પણ કર્યા હતા. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નર્મદા ડેમમાં પાણીની જોરદાર આવક થઇ હતી. પાણીની આવક વધતા ડેમના દસ દરવાજા ગુરુવારે મોડી રાત્રે ૧-૩૦ વાગ્યે ખોલવામાં આવ્યા હતા. જ્યારે વહેલી સવારે કુલ ૨૪ દરવાજા ૦.૯૨ સેમી ખોલાયા હતા અને ડેમમાંથી કુલ ૬ લાખ ક્યૂસેક પાણી છોડાયું હતું. જો કે, અત્યારે ત્રણ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને ડેમના ઉપરવાસમાંથી ૫.૫૦ લાખ ક્યુસેકની આવક થઇ રહી છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદી કાંઠે અવર-જવર ન કરવા સૂચના આપવામાં આવી હતી. ભરૂચ અને નર્મદા જિલ્લાના ૪૨ ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. તો, તંત્ર દ્વારા ગોલ્ડનબ્રીજના અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડાયા હતા. નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા આજે રાજ્યના સીએમ વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલે ડેમની મુલાકાત લીધી હતી અને ભારે શ્રધ્ધાપૂર્વક નર્મદા માતાના ભાવ સાથે વધામણાં કર્યા હતા અને નર્મદા મૈય્યાને નમન કર્યા હતા. સીએમની સૂચનાથી નર્મદા ડેમમાંથી ૬ લાખથી વધારીને ૮ લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતું. બાદમાં તે, ઘટાડીને ૩ લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ગુરુવારે મોડી સાંજે ડેમમાં ૨૯,૭૪૫ એમસીએમ પાણીનો જથ્થો હતો. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પાણીની આવક વધતા નર્મદા ડેમમાંથી ૩ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. તેના કારણે કાંઠા વિસ્તારોમાં હાઇ એલર્ટની સ્થિતિ સર્જાઈ છે. તકેદારીના પગલાના ભાગરૂપે ક્લાસ વન શ્રેણીના ૧૦ અધિકારીઓને કાંઠા વિસ્તારના ૪૨ ગામોમાં કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે તહેનાત કરાયા છે. અધિકારીઓને સ્થાનિક મામલતદાર, સરપંચ, તલાટી તથા પોલીસ સાથે સંકલન સાધવા જણાવવામાં આવ્યું હતું. સાથે જ રાહત અને બચાવ કામગીરી માટે ટ્રેક્ટર, જેસીબી તૈયાર રખાયા હતા. નર્મદા જિલ્લામાં કાંઠા વિસ્તારના મોટાભાગના ગામો ઊંચાઈ પર આવેલા છે. તેમ છતાં પણ પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. રાજ્યનાં ત્રણ જિલ્લા વડોદરા,ભરૂચ, નર્મદા જિલ્લાનાં કાંઠા વિસ્તારનાં ગામોને એલર્ટ અપાયું. વહીવટી તંત્ર દ્વારા નદીકાંઠા વિસ્તારમાં અવર જવર નહિ કરવા સૂચના આપી દેવાઈ. ઉલ્લેખનીય છે કે નર્મદા કન્ટ્રોલ ઓથોરીટીએ સરદાર સરોવર ડેમને ૧૩૧ મીટર ભરવાની પરવાનગી આપી હતી. એ પછી ડેમ ૧૩૧ મીટર સુધી ભરાય પછી જ પાણી છોડવાનો નિર્ણય લેવાયો હતો.નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા ગોરા ગામનો બ્રિજ અવરજવર માટે બંધ કરાયો છે. આ બ્રિજને ડૂબાડૂબ બ્રિજ પણ કહેવામાં આવે છે અને ચોમાસામાં આ બ્રિજની રેલિંગ પણ કાઢી નાખવામાં આવે છે. નર્મદા ડેમથી સૌથી પહેલો આ બ્રિજ છે જે પથ્થરો થી બનેલો છે.

વડોદરા જિલ્લા કલેક્ટરે આ બ્રિજ પર અવરજવર બંધ કરવામાં આવી હોવાની જાહેરાત કરી હતી. સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસમાં પાણીની ૫.૫૦ લાખ ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે અને દર કલાકે ૨૩ સે.મી નો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે વધતી સપાટીમાં બ્રેક મારવા બે વર્ષથી બંધ રિવરબેડ પાવરહાઉસના ૨૫૦ મેગાવોટના બે ટર્બાઇન શરૂ કરી દેવાયા છે.

જ્યારે કેનાલ હેડ પાવર હાઉસના ૫૦ મેગાવોટના ૩ ટર્બાઇન પણ શરૂ કરી દેવાયા છે. જેથી પાણી છોડવાની સાથે વીજ ઉત્પાદન પણ શરૂ થયું છે. રિવરબેડ પાવર હાઉસનું એક ટર્બાઇન ૨૩૦૦૦ થી ૨૫૦૦૦ ક્યુસેક પાણી વાપરી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

નર્મદા ડેમ ઓવરફ્‌લો : ૧૦૮ જળાશયો, નદીઓ-ડેમ ભરાશે

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર નર્મદા ડેમમાં ભરપુર પાણીની આવક થઇ રહી છે. જેને પગલે નર્મદા ડેમમાંથી એક તબક્કે ૮ લાખ ક્યૂસેક સુધી પાણી છોડવામાં આવ્યું હતું અને અત્યારે પણ ૩ લાખ ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે. જેને પગલે સમગ્ર ગુજરાતને વીજળી અને પાણીથી ફાયદો થશે. હાલ કેવડિયા ખાતે રિવર બેડ પાવર હાઉસના ત્રણ ટર્બાઇનો ચાલુ કરવામાં આવ્યા છે. જેને પગલે રોજની ૭ કરોડની વીજળીનું ઉત્પાદન થઇ રહ્યું છે. ગુજરાતને પાણી પુરૂ પાડતા સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ ૧૩૧ ફૂટ સુધી પાણી ભરાઇ ગયું છે. જેને પગલે નર્મદા ડેમમાંથી કેનાલ સાથે લિંક કરાયેલા રાજ્યના ૧૦૮ જળાશયો ભરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યના ધોરીધજા ડેમ, સાબરમતી સહિતની નદીઓ અને ડેમમાં પાણી છોડવામાં આવશે. નર્મદા ડેમમાં ૬ લાખ ક્યુસેક સુધીની પાણીની આવકને પગલે નર્મદાની મુખ્ય કેનાલમાં ૧૫ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને પાણી છોડવાની માત્રામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. જેને પગલે રાજ્યના જે વિસ્તારોમાં પાણીની તંગી છે, ત્યાં સિંચાઇને પુરતી માત્રામાં પાણી મળી રહેશે. નર્મદા ડેમમાં પાણીની જોરદાર આવક થતાં અને ઇતિહાસમાં સૌપ્રથમવાર ડેમના એકસાથે ૨૪ દરવાજા એકસાથે ખોલવામાં આવતાં રાજયના સમગ્ર ખેડૂતઆલમ સહિત સામાન્ય પ્રજાજનોમાં ભારે ખુશીની લાગણી છવાઇ ગઇ છે.

નર્મદા નીરને જોઇ મુખ્યમંત્રી વિજય રૂપાણી હરખાઇ ગયા

ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમ છલકાતા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે વહેલી સવારે કેવડીયા કોલોની પહોંચ્યા હતા, જ્યાં નર્મદાના નીર જોઈને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હરખાઈ ગયા હતા. મુખ્યમંત્રીએ માતાજીની ચૂંદડી અને શ્રીફળ નર્મદાના નીરમાં વહાવી નર્મદા મૈય્યાના વધામણાં કરી વંદન કર્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી રૂપાણીએ જાહેરાત કરી હતી કે, ગુજરાતમાં દુષ્કાળના ઓળા દૂર થયા છે. નર્મદાના પાણી જળાશયો ભરીને ખેતીવાડી અને પીવાના પાણી માટે આપવામાં આવશે. આગામી ૧૦-૧૫ દિવસ હજુ સારા વરસાદની આગાહી છે અને વાતાવરણ પણ સાનૂકુળ છે ત્યારે નર્મદાના ડેમ પૂર્ણ સપાટી ૧૩૮ મીટરે પહોંચશે અને સરદાર સાહેબે ૧૯૪૮માં સેવેલું સપનું સાકાર થશે તેવી અપેક્ષા પણ વ્યકત કરી હતી. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ડેમના દરવાજાની અને ડેમ પૂર્ણ કક્ષાએ ભરવાની પરવાનગી આપ્યા પછી પહેલીવાર ડેમની સપાટી ૧૩૧.૫ મીટરે પહોંચી છે તે સમગ્ર ગુજરાત માટે આનંદનો અવસર છે. કેનાલ નેટવર્કમાં મહત્તમ પાણી છોડવામાં આવી રહ્યું છે.

ગુજરાતે નર્મદા ડેમ ભરીને નેવાના પાણી મોભે ચઢાવવાની સિધ્ધિ મેળવી છે. એટલુજ નહી, સૌરાષ્ટ્ર-ક્ચ્છ-ઉત્તર-મધ્ય ગુજરાતની કેનાલ-બ્રાંચ કેનાલમાં, સુજલામ સુફલામ કેનાલોમાં, સૌની યોનાના ડેમમાં પણ આ પાણઈ છોડીને ખેડૂતોને સિંચાઇ માટે તથા લોકોને પીવા માટે પાણી ઉપલબ્ધ બનાવવામાં આવશે. સાથે સાથે ડેમના દરવાજા ખોલવાને પરિણામે નર્મદા કાંઠાના ગામો જે જિલ્લાની હદમાં આવે છે એ જિલ્લાના તંત્રને એલર્ટ કર્યું છે.

Previous articleમહુધામાં ૧૨ ઈંચ વરસાદથી જળબંબાકાર
Next articleશ્રાવણીયા સોમવારનું મહત્વ