લોકો કહે છે ‘Man is a social animal’ –મનુષ્ય સામાજિક પ્રાણી છે. કાર્લ પીબ્રામ કહેતા ‘Man is a musical animal’ – મનુષ્ય સંગીતમય પ્રાણી છે. અને વ્યાખ્યા એવી પણ થાય છે કે ‘Man is a rational animal’ મનુષ્ય બુદ્ધિશાળી પ્રાણી છે. આ જ મિજાજમાં કહેવું હોય તો કહી શકાય કે‘Man is a temperamental animal’- મનુષ્ય સ્વભાવયુક્ત પ્રાણી છે. જાત-જાતના અને ભાત-ભાતના સ્વભાવો મનુષ્યમાં જોવા મળે છે. ખારા અને ખોરા, તુરા અને બૂરા, આકરા અને અકારા આવા સૌ સ્વભાવોનું સંગ્રહસ્થાન મનુષ્ય સ્વયં છે.
સને ૨૦૦૪ના ડિસેમ્બર ની ૨૬મી તારીખ ની સવારે પૂર્વ એશિયાના સમુરૂમાં થયેલા દરિયાઈ ભૂકંપને કારણે સુ-નામી મોજાં ઉદ્ભવ્યાં. તેને કારણે થયેલી તારાજીથી સમગ્ર દુનિયા ખળબળી ઊઠી. આ વિનાશક મોજાને કારણે હજારો લોકો મૃત્યુ પામ્યાં.
૨૬મી જાન્યુઆરી ૨૦૦૧ના રોજ સવારે ભૂજમાં ભયાનક ભૂકંપ થયો હતો. આ કુદરતી આપત્તિની પણ વિનાશકતા ભયંકર હતી.
પ્રકૃતિનાં આવા અનેક તાંડવો થતા રહે છે. આ તાંડવ અને તેથી થયેલ બેહાલીની નોંધ લેવામાં આવે છે – પરંતુ એથીય વધારે ભયાનક અને નુકસાનકારી તાંડવ તો મનુષ્યની પ્રકૃતિ- સ્વભાવોને લીધે સર્જાય છે, જે તરફ કોઈનું ભાગ્યે જ લક્ષ્ય જાય છે !
હિટલરના અહંકારી સ્વભાવથી સર્જાયેલ તાંડવમાં પાંચ કરોડથી વધુ લોકો હોમાયા છે. તેવી જ રીતે દુર્યોધનના લોભી સ્વભાવથી સર્જાયેલ તાંડવે અઢાર અક્ષૌહિણી સેનાને ભરખી લીધેલી. રાવણના કામી સ્વભાવથી સર્જાયેલ તાંડવે તેના આખા કુળનો સફાયો કરી નાંખેલો.
કયા ચક્રવાત, કયા ભૂકંપ કે કઈ જળ હોનારતે આટલા માનવીઓનો ભોગ લીધો છે ?
આમ, કુદરતી પ્રકૃતિના વિનાશક પંજા કરતાં મનુષ્યની ભીતર રહેલા સ્વભાવ વધારે ખતરનાક લાગે છે.
સંસ્કૃતમાં કહ્યું છે : સ્વભાવ ટાળવા ઘણાં કઠણ છે.
પરંતુ સાથે સાથે એ પણ સમજી લેવું જરૂરી છે કે સ્વભાવ ટાળવા અશક્ય નથી. જેમ ‘ઉષ્ણતા એ અગ્નિનો સ્વાભાવિક મૂળભૂત ધર્મ છે, તેથી તે અગ્નિથી છૂટો ન પડી શકે, પરંતુ પાણીને ગરમ કરવાથી એમાં જે ‘ઉષ્ણતા’ આવે છે તે પાણીનો મૂળભૂત ધર્મ નથી પણ તે આગંતુક છે. તેથી તે પાણીથી દૂર થઈ શકે છે. એવી જ રીતે ગમે તેવા ભૂંડા સ્વભાવો જીવનમાં હોય પણ તે આગંતુક હોવાથી દૂર થઈ શકે છે. એવો એક પણ સ્વભાવ નથી કે જેનો નાશ ન કરી શકાય.
ભગવાન સ્વામિનારાયણ ગઢડા મધ્ય પ્રકરણ ૧૫મા વચનામૃતમાં સ્વભાવ નાશ કરવાનો ઉપાય બતાવતાં કહે છે કે, ‘સ્વભાવ ઉપર જે શત્રુપણું રાખવું એ જ સર્વ વિચારમાં શ્રેષ્ઠ વિચાર છે.’ સ્વભાવને વિશે શત્રુપણું કેવી રીતે થાય ? તો દુઃખમાત્રનું મૂળ સ્વભાવ છે, સ્વભાવને જ કારણે મને પોતાને, પરિવારને, સમાજને કે મારા વ્યવહારને, એક યા બીજી રીતે નુકસાન થાય છે અને દુઃખ સહન કરવા પડે છે. એવું સમજાય, મનાય ત્યારે. ભગવાન સ્વામિનારાયણના અનુગામી અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય બોટાદના શિવલાલ શેઠ. તેઓ એક વખત સભામાં બેઠાં બેઠાં સોપારી ખાતા હતા. તેથી કટ કટ અવાજ થતો હતો. ત્યારે આત્માનંદ સ્વામીએ તેમને ટોકતાં કહ્યું, ‘ભરસભામાં હાડકું કોણ ચાવે છે ? શિવલાલ શેઠે આ વાત પોતા પર લીધી ને સોપારી બહાર થૂંકી આવ્યા એટલું જ નહીં પણ સોપારી ન ખાવાનો આજીવન નિયમ લીધો. આ સ્વભાવને શત્રુ જાણ્યો કહેવાય. સ્વભાવો વિનાશક છે એ જાણ્યા પછી પણ જ્યાં સુધી તેના પ્રત્યે શત્રુભાવ ન રાખવામાં આવે ત્યાં સુધી તેનો પરાભવ થતો નથી. ઘણા લોકો સ્વભાવથી એટલા ટેવાઈ ગયા છે કે તેના વિષે શત્રુપણું તો દૂરની વાત તેના વગર રહી શકતા નથી. અમૂક ખાવા-પીવાના સ્વભાવ, વધુ બોલવાનો સ્વભાવ અરે ક્રોધ કરવાનો સ્વભાવ પણ કેટલાકને ગમવા લાગે છે. એટલે સ્વભાવથી શત્રુપણું રાખીને જ તેનાથી છૂટા પડી શકાય એ નિર્વિવાદ છે.(ક્રમશઃ)