વલભીપુરમાં પાંચ, ઉમરાળા પંથકમાં ધોધમાર ૪ ઈંચ વરસાદ

1136

હવામાન વિભાગ દ્વારા રાજયભરમાં પાંચ દિવસ ભારે વરસાદ પડવાની અપાયેલી આગાહીના પગલે રાજયના અન્ય જિલ્લાઓની સાથો સાથ, ભાવનગર શહેર અને જીલ્લાભરમાં આજે સતત વરસાદ શરૂ રહ્યો હતો જેના પગલે ભાવનગર જિલ્લાના ઉમરાળા તથા વલભીપુર પંથકમાં ધોધમાર ૪ ઈંચ જેટલો વરસાદ પડી ગયો હતો ત્યારે વરસાદના પગલે જિલ્લાભરના નાના-મોટા જળાશયોમાં નવા નીરની આવક થવા પામી હતી તો સાર્વત્રીક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.

ઉત્તર-પુર્વ તરફથી ડીપ ડીપ્રેશન ઘટતા લોક પ્રેશરના કારણે રાજયભરમાં ભારે વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી આપવામાં આવી છે. જેના પગલે રાજયભરમાં સર્વત્ર વરસાદ પડી રહ્યો છે. ભાવનગર શહેર તથા જિલ્લામાં ગતરાત્રીથી ધીમી ધારે વરસાદ શરૂ થવા પામ્યો હતો. અને આજે સવારથી પણ ભાવનગર શહેર સહિત જિલ્લાના તાલુકા પંથકોમાં પણ વરસાદ શરૂ થયેલ જે હજુ રાત્રી સુધી પણ શરૂ રહ્યો છે. શહેરમાં સમયાંતરે ભારે ઝાપટા પડવાના કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતાં. જયારે શાળા-કોલેજના સમય દરમ્યાન પણ વરસાદ શરૂ રહેવાના કારણે વિદ્યાર્થીઓને પણ ફરજીયાત વરસાદમાં પલળવાનો વારો આવ્યો હતો.  દિવસભર શરૂ રહેલા વરસાદમાં આજે રાત્રી સુધીમાં વલભીપુર અને ઉમરાળા પંથકમાં ચાર-ચાર ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો જયારે ભાવનગર શહેર તથા સિહોર પંથકમાં ત્રણ-ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત જેસર, ગારિયાધાર, તળાજા, મહુવા, પાલિતાણા તથા ઘોઘા પંથકમાં પણ અડધાથી બે ઈંચ વરસાદ છેલ્લા ર૪ કલાક દરમ્યાન પડ્યો છે. ત્યારે ગોહિલવાડ પંથકમાં પડેલા સાર્વત્રીક વરસાદના કારણે જળાશયોમાં નવા નીર આવવાની સાથે ખેતી માટે કાળા સોના સમાન, વરસાદથી ખેડુતોમાં ખુશીનો માહોલ છવાયો છે.

વરસાદની આગાહીના પગલે હજુ-બે દિવસ સમગ્ર સૌરાષ્ટ્રની સાથો સાથ ભાવનગરમાં પણ ભારે વરસાદ પડી શકે છે. ત્યારે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર પણ એલર્ટ છે.

બરવાળામાં આભ ફાટયું, ૧ર ઈંચ

સમગ્ર સૌરાષ્ટ્ર – ગુજરાતમાં ભારે વરસાદની હવામાન ખાતાની આગાહી દરમ્યાન આજે બોટાદ પંથજકમાં મેભરાજા મનમુકીને વરસ્યા હતાં. બરવાળા પંથકમાં આભ ફાટયું હોય તેવી સ્થિતિ સર્જાવા પામી છે. બરવાળામાં સવારથી રાત્રી સુધીમાં ૧ર ઈંચ ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના પગલે સર્વત્ર પાણી પાણી ફરિવળ્યા હતાં. જળાશયોમાં ધોધમાર પાણીની આવક થવા પામેલ તો નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના બનાવો બનવા પામ્યા છે.  બોટાદ પંથકમાં આજે ધોધમાર વરસાદના પગલે સવારથી રાત્રી સુધીમાં આઠ ઈંચ વરસાદ પડતા નદીઓમાં ધોડાપુરની સ્થિતિ સર્જાઈ છે. જયારે રાણપુરમાં પણ આઠ ઈંચ વરસાદ સાથે ગઢડા પંથકમાં ૭ ઈંચ વરસાદ પડતા નદીઓમાં પુરની સ્થિતિ સર્જાવા પામી છે. રાત્રે ૧૦ વાગ્યા બાદ પણ હજુ વરસાદ શરૂ છે. બોટાદ જિલ્લામાં ભારે વરસાદના પગલે બોટાદની ઉતાવળી નદી અને મધુનદીમાં પુરી સ્થિતિ થવા સાથે રાણપુરની ભાદર નદીમાં ધોડાપુર જેવી પરિસ્થિતિ સર્જાવા પામી છે. વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે.

દિવસભર વરસાદના પગલે તાપમાન ત્રણ ડિગ્રીનો ઘટાડો

ભાવનગર શહેર અને જિલ્લાભરમાં ગત રાત્રીથી જ ધીમી ધારનો વરસાદ શરૂ થયેલ અને આજે દિવસભર સમગ્ર શહેર-જિલ્લામાં રહેલા વરસાદી માહોલના પગલે ર૪ કલાકમાં જ દિવસ અને રાત્રીના તાપમાનમાં ત્રણ ડિગ્રીનો ઘટાડો થવા પામ્યો હતો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામેલ. ભાવનગરમાં આજે મહત્તમ તાપમાન ર૭.૮ ડિગ્રી, લઘુત્તમ તાપમાન ર૪.૮ ડિગ્રી, જયારે હવામાં ભેજનું પ્રમાણ ૯પ ટકા તેમજ સરેરાશ ર૪ કી.મીની ઝડપે  પવન ફુંકાયો હતો.

Previous articleશાળામાંથી ટીવી, કોમ્પ્યુટરની ચોરી કરનાર બે ઈસમોને ઝડપી લેતી ભાવ. LCB, SOG
Next articleબીલા ગામેથી ચોરીનો સામાન અને જામગરી બંદુક સાથે બે ઝડપાયા