જિલ્લાના ચાર તાલુકામાં બેથી ત્રણ ઇંચ વરસાદ

545

હવામાન તંત્રની આગાહીને સાચી ઠેરવતા મેઘ મહારાજાએ આખરે પાટનગર સહિત ગાંધીનગર જિલ્લામાં શુક્રવારની રાતથી વરસાદી જમાવટ થઇ છે. ચાર તાલુકા પૈકી કલોલ તાલુકામાં ૩ ઇંચ અને માણસા તાલુકામાં અઢી ઇંચ વરસાદ થયો છે. ગાંધીનગર અને દહેગામ તાલુકામાં સવા બે ઇંચ વરસાદ રાત્રે ૧૦ વાગ્યા સુધીમાં થયો હતો. જ્યારે ગાંધીનગર શહેરમાં ૩ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

છેલ્લા ૬ દિવસથી કોરાડુ વાતાવરણ રહ્યાનાં પગલે જગતનો તાત અને આમ આદમી પણ ચીંતામાં મુકાયા હતા. દરમિયાન હવામાન તંત્રે તારીખ ૯મીથી સારો વરસાદ થવાની આગાહી કરી હતી અને શુક્રવારે રાત્રે ૧ વાગ્યાના અરસાથી વરસાદ ચાલુ થયો હતો. શુક્રવારે રાત્રે ૮ વાગ્યા પછી વરસાદે રમઝટ મચાવતા પાટનગરમાં ઠેક ઠેકાણે પાણી ભરાવા સાથે ભૂવા પડ્‌યા હતાં.

અસલ ચોમાસુ રંગ જામવા છતાં જિલ્લામાં દક્ષિણ ગુજરાત કે સૌરાષ્ટ્ર જેવો વરસાદ તો થયો ન હતો. જોકે ત્યા જે સ્થિતિ સર્જાઇ છે, તેને જોઇને નગરવાસીઓ અતિ ભારે વરસાદ ઇચ્છતા નથી. પરંતુ સામાન્ય વરસાદ જરૂર ઇચ્છી રહ્યાં છે. કેમ કે જિલ્લામાં હજુ વરસાદની ઘટ ૬૧ ટકા જેટલી છે અને હવે વરસાદી મોસમમાં દોઢ મહિના જેટલો જ સમય બાકી રહ્યો છે. ત્યારે નોંધવું રહેશે કે આ વર્ષે ગત વર્ષની સરખામણીએ તો સારો વરસાદ જ છે. ગત વર્ષે આ સમય સુધીમાં ૧૮ ટકા વરસાદ થયો હતો.

મધરાત્રીથી વરસાદ શરૂ થવાના પગલે શુક્રવારે સુર્યદર્શન જ થયા ન હતા અને દિવસનું તાપમાન ૪.૮ ડિગ્રી ઘટી ૨૭.૬ ડિગ્રી થયું હતું. રાત્રીનું તાપમાન ૧ ડિગ્રીના ઘટાડા સાથે ૨૬ ડિગ્રી નોંધાયું હતુ. વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે ૯૫ અને સાંજે ૯૭ ટકા રહ્યું હતું.

વર્ષ ૨૦૧૭માં જિલ્લામાં ૩૧ ઇંચ વરસાદની સરેરાશની સામે ૩૯ ઇંચથી વધુ વરસાદ થયો હતો. તેમાં કલોલમાં ૫૮.૭ ઇંચ, માણસામાં ૩૪.૩ ઇંચ, દહેગામમાં ૩૩.૪ ઇંચ અને ગાંધીનગરમાં ૩૦.૩ ઇંચ વરસાદ નોંધાયો હતો અને ગાંધીનગર જિલ્લામાં મોસમના વરસાદની ટકાવારી ૧૩૨ ટકા પર પહોંચી ગઇ હતી.

Previous articleમાતાના એક્ટિવાને સ્કૂલની બસે ટક્કર મારતાં ૮ વર્ષનાં પુત્રનું મોત
Next articleકેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટકમા પુર, વરસાદથી ૧૦૯નાં મોત