જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને દુર કરવામાં આવ્યા બાદ કાશ્મીર ખીણમાં સ્થિતિ હજુ સંપૂર્ણપણે સુધરી નથી. અજંપાભરી શાંતિ પ્રવતી રહી છે ત્યારે હાલમાં કોઈ પણ જોખમ લઈને કેન્દ્ર સરકાર આગળ વધવા ઈચ્છુક નથી. જેના ભાગરૂપે કેન્દ્ર સરકારે કાશ્મીર ખીણમાં ઈદના પ્રસંગે પણ ધારાધોરણ કઠોર રાખવાનો નિર્ણય કર્યો છે. મજબુત સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવશે. સુરક્ષામાં કોઈ રાહત અથવા તો ઢીલ આપવામાં આવશે નહીં. શુક્રવારના દિવસે કાશ્મીરમાં હજારો લોકો નમાઝ અદા કરવા માટે બહાર નીકળ્યા હતા પરંતુ કેટલીક જગ્યાએ હિંસાના બનાવો બન્યા હતા.
અલબત મોટાભાગે શાંતિ રહી હતી પરંતુ વહીવટી તંત્ર કોઈ જોખમ લેવા તૈયાર નથી. જેથી બકરી ઈદના પ્રસંગે મજબુત સુરક્ષા વ્યવસ્થા રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ૧૫મી ઓગસ્ટ બાદ જ સુરક્ષા વ્યવસ્થામાં કોઈ રાહત આપવામાં આવનાર છે.
એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, ૧૫મી ઓગસ્ટ બાદ જ સુરક્ષા વ્યવસ્થા હળવી કરવામાં આવશે. ૧૨મી ઓગસ્ટના દિવસે બકરી ઈદ છે. આ પ્રસંગે શ્રીનગરના ઇદગાહમાં થનાર નમાઝ દરમિયાન પણ સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવશે. દર વર્ષે શ્રીનગરમાં ઇદગાહ મેદાનમાં મોટી સંખ્યામાં લોકો નમાજ અદા કરે છે. આ વખતે સંખ્યા ઓછી રહી શકે છે. પથ્થરબાજી અને હિંસક વિરોધ પ્રદર્શનની દહેશતના પરિણામ સ્વરૂપે સુરક્ષા વ્યવસ્થા મજબુત રાખવામાં આવી છે. આ ઉપરાંત હઝરતબાલ અને જામા મસ્જિદમાં થનાર નમાઝને લઈને પણ સુરક્ષા રાખવામાં આવી છે. અહીં માત્ર સ્થાનિક લોકોને નમાઝ અદા કરવાની મંજુરી આપવામાં આવશે. જામા મસ્જિદમાં ઇદની નમાઝ એ વખતે અદા કરવામાં આવે છે જ્યારે વરસાદના પરિણામે ઇદગાહમાં નમાઝ અદા કરવાની મંજુરી આપવામાં આવતી નથી. ખીણમાં સુરક્ષા વ્યવસ્થા મજબુત રાખવામાં આવી રહી છે. જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૭૦ને દુર કરવામાં આવ્યા બાદ સ્થિતિને સામાન્ય બનાવવાના તમામ પ્રયાસ થઈ રહ્યા છે. અલબત બજારો પૂર્ણ રીતે હજુ સુધી ખુલ્યા નથી પરંતુ સ્થિતિને હળવી કરવા માટે બનતા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સુરક્ષા અધિકારીઓનું કહેવુ છે કે, ઇદના પ્રસંગે તબક્કાવાર રીતે કલમ ૧૪૪ને દુર કરવા માટેના પ્રયાસ કરવામાં આવશે. ૧૫મી ઓગસ્ટ બાદ સ્થિતિને હળવી કરવામાં આવશે. જાણકાર લોકોનું કહેવુ છે કે, અલગતાવાદીઓ સ્થિતિને ખરાબ કરવાના પ્રયાસ કરી શકે છે. આવી સ્થિતિમાં સુરક્ષા દળો કોઈ જોખમ લેવા માટે તૈયાર નથી. કેન્દ્ર સરકાર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. ધીમે ધીમે સ્કુલ અને કોલેજો ખુલી રહી છે. બજારો પણ ખુલી રહ્યા છે. સરકારી કર્મચારીઓને સમયસર ઓફિસ પહોંચવા માટે આદેશ કરવામાં આવી રહ્યા છે. સ્થાનિક લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે પણ પગલા લેવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે રાષ્ટ્રને નામ સંબોેધનમાં કહી ચુક્યા છે કે કલમ ૩૭૦ ઇતિહાસ બની ગયા બાદ રાજ્યના લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે દિશામાં પહેલ થઈ રહી છે. સ્થિતિ ધીમે ધીમે સામાન્ય બની જશે.