જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપનાર કલમ ૩૭૦ની નાબુદી બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી ફરી એકવાર વધી ગઈ છે. તંગદિલી વિસ્ફોટક સ્તર પર પહોંચી છે ત્યારે પાકિસ્તાન દ્વારા ફરી નાપાક હરકત કરવાના પ્રયાસો શરૂ કર્યા છે. કલમ ૩૭૦ની નાબુદી બાદ અંકુશ રેખા પર તંગદિલી વધી ગયા બાદ પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં અથવા તો પોકમાં ફરીથી ડઝન જેટલા આતંકવાદી કેમ્પ સક્રિય થઈ ગયા છે. એવા અહેવાલ પણ મળી રહ્યા છે કે, વડાપ્રધાન ઈમરાન ખાને આતંકવાદી કેમ્પોને પરોક્ષ રીતે મંજુરી આપી છે. ઈમરાન ખાન દ્વારા બે દિવસ પહેલા જ સંસદના સંયુક્ત સત્રમાં કહેવામાં આવ્યું હતું કે, ભારતમાં જો પુલવામા જેવા હુમલા થાય છે તો તેના માટે પાકિસ્તાન જવાબદાર રહેશે નહીં. આનો મતલબ એ થયો કે ઇમરાન ખાનના નિવેદનમાં લશ્કરે તોયબા, જૈશ અને અન્ય ત્રાસવાદી સંગઠનોના આકાઓ અને ત્રાસવાદીઓને હુમલા કરવાની સીધી મંજુરી છે. પાકિસ્તાન દ્વારા લોન્ચ પેડ ફરીવાર સક્રિય કરી દેવામાં આવ્યા છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પરોક્ષ રીતે ત્રાસવાદીઓને ટેકો આપતા દેખાઈ રહ્યા છે. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ત્રાસવાદીઓની ટોળકી કેમ્પોમાં નજરે પડી રહી છે.
૧૫૦ જેટલા ત્રાસવાદીઓ કોટલી નજીક ફાગુશ અને કુંડ કેમ્પો અને મુજફરાબાદ ક્ષેત્રમાં રહેલા ત્રાસવાદી કેમ્પોમાં નજરે પડી રહ્યા છે. ગુપ્તચર રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. જૈશના લીડર મૌલાના મસુદ અઝહરના ભાઈ ઈબ્રાહિમ હાલમાં જ પોકમાં નજરે પડ્યો હતો. હાલના સમયમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિલ દોભાલ વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી રહ્યા છે. બેઠકમાં ઈન્ટેલિજન્સ બ્યુરોના વડા અરવિન્દ કુમાર, જમ્મુ કાશ્મીરના પોલીસ વડા દિલબાગ સિંહ અને સેનાના ટોપના અધિકારીઓ ઉપરસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલને જમ્મુ કાશ્મીરમાં સ્થિતિને સામાન્ય બનાવવાની મુખ્ય જવાબદારી સોંપવામાં આવી છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે જમ્મુ કાશ્મીર પર કેન્દ્ર સરકારના કઠોર નિર્ણય બાદ સુરક્ષા રણનિતિ તૈયાર કરી છે.
સાથે સાથે સરહદ પારથી આતંકવાદી ખતરાઓને પહોંચી વળવા માટેની પણ રણનિતિ પણ બનાવી છે. અજિત દોભાલ સુરક્ષાના પાસા પર હંમેશા સૌથી ગંભીર રહ્યા છે. અગાઉ પણ કેન્દ્ર સરકાર તરફથી દોભાલે ખુબ મોટી જવાબદારી અદા કરી છે. આતંકવાદીઓના ખાતમામાં તેમની સૌથી મોટી ભૂમિકા રહેલી છે. પોતાની રીતે પણ જમ્મુ કાશ્મીરના સંદર્ભમાં વિશ્વસનીય લોકો પાસેથી માહિતી મેળવી રહ્યા છે.