કડી અને દેત્રોજમાં ૧૩ ઇંચ વરસાદ : જનજીવન ઠપ

749

ઉત્તર ગુજરાત ઉપર પણ છેલ્લા બે દિવસથી મેઘમહેર વરસી છે. જેમાં ઉત્તર ગુજરાતના ૩૦થી વધુ તાલુકામાં ગઇકાલે સવારે ૬ થી સાંજે ૬ વાગ્યા સુધીના ૧૨ કલાકમાં ૧થી ૬ ઇંચ સુધી વરસાદ પડ્‌યો હતો. જેમાં સૌથી વધુ પાટણના હારીજમાં ૬ ઇંચ, સરસ્વતીમાં ૫ ઇંચ, પાટણ અને સમીમાં ૪-૪ ઇંચ તેમજ અરવલ્લીના ધનસુરામાં ૪ ઇંચ વરસાદ ખાબકતાં નીચાણના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. ૧૧ તાલુકામાં બે ઇંચ અને ૧૧ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. બાકીના ૧૭ તાલુકામાં ધીમીધારે વરસાદથી વાતાવરણમાં શીતલહેર પ્રસરી હતી. તો સાર્વત્રિક વરસાદથી રાહ જોઇને બેઠેલા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. આ વરસાદથી વાવેતર કરેલા એરંડા, બાજરી, જુવાર, કઠોળ વગેરે પાકને જીવતદાન મળ્યું છે.  જો કે, કડી, દેત્રોજ સહિતના પંથકોમાં ૧૩ ઇંચથી વધુ અતિ ભારે વરસાદ નોંધાયો હતો. જેને પગલે કડી-દેત્રોજ હાઇવે પર બેથી ચાર ફુટ ઉંડા પાણી ફરી વળ્યા હતા અને વાહનવ્યવહાર ઠપ્પ થઇ ગયો હતો. મહેસાણા સહિત સમગ્ર જિલ્લામાં શુક્રવાર સાંજે ૬ વાગે પૂરા થતા ૨૪ કલાકમાં તમામ ૧૦ તાલુકામાં સાર્વત્રિક મેઘમહેર થઇ હતી., જે આજે પણ ચાલુ રહી હતી. સૌથી વધુ વરસાદ કડી-દેત્રોજ પંથકમાં નોંધાયો હતો, જયાં ૧૩ ઇંચ સુધી વરસાદ ખાબકતાં સર્વત્ર પાણી જ પાણી જોવા મળતુ હતું. આ સિવાય મહેસાણા જિલ્લાના  સતલાસણામાં ચાર ઇંચ, ખેરાલુ અને વિજાપુરમાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.

બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર ડીપ્રેશનમાં ફેરવાતાં ઉત્તર ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં વત્તા ઓછા પ્રમાણમાં વરસાદ થયો હતો. તો, પાલનપુર જિલ્લામાં ભાભરમાં ચાર ઇંચ, દાંતીવાડા અને દિયોદરમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. લાખણી અને ધાનેરામાં બે પશુઓના મોત નીપજ્યા હતા. પાલનપુરના કીર્તિસ્તંભ, પાલનપુર સિવિલ અને મફતપુરા સહિતની અન્ય નીચાણવાળી સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. તો, ડીસામાં છેલ્લા ૨૪ કલાકમાં ત્રણથી ચાર ઇંચ વરસાદ પડ્‌યો હતો. ગઢ પંથકના ગામોમાં પણ ગઇકાલે વહેલી સવારથી વરસાદી ઝાપટાં ચાલુ રહ્યા  હતાં.  દાંતીવાડા તાલુકામાં ભાભર પંથક, થરાદ, સરહદી સુઇગામ, કાંકરેજ  સહિતના પંથકોમાં પણ બેથી ત્રણ ઇંચ જેવો સારો વરસાદ નોધાયો હતો.  પાટણઃ જિલ્લામાં વહેલી સવારથી જ લાંબા સમયથી હાથતાળી આપી રહેલ મેઘરાજા આખરે આગમન કર્યું હતું અને ધીમીધારે શરૂ થયેલ વરસાદ ધોધમાર બનતા  આ જ પ્રકારે પાટણ જિલ્લાના હારીજમાં છ ઇંચ, પાટણ-સમીમાં ૪-૪ ઇંચ સહિત અન્ય તાલુકાઓમાં બેથી ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. જેને પગલે જગતના તાતમાં હરેખની હેલી જોવા મળી હતી. સાબરકાંઠા જિલ્લામાં નિયમિત અંતરાલે ઝાપટા અને ઝરમર સ્વરૂપે આખી રાત વરસાદ વરસતો રહ્યા બાદ દિવસે પણ ઝરમર વરસાદ વરસ્યો હતો.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન વિજયનગર તાલુકામાં સૌથી વધુ ૪ ઇંચ અને ખેડબ્રહ્મા તાલુકામાં ૩ ઇંચ વરસાદ નોંધાયો હતો. સરેરાશ બે ઇંચ વરસાદને પગલે મોસમનો ૫૪.૩૨ ટકા વરસાદ થયો હતો. અરવલ્લી જિલ્લામાં શામળાજી, ખેડબ્રહ્મા સહિતના પંથકોમાં પણ બેથી ચાર ઇઁચની આસપાસ સારો એવો વરસાદ નોંધાયો હતો. આમ, સમગ્ર ઉત્તર ગુજરાતમાં એકંદરે સાર્વત્રિક વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઇ ગઇ હતી.

Previous articleભાજપનું સદસસ્યતા અભિયાન ૨૦ ઓગસ્ટ સુધી લંબાવાયું
Next articleમાછીમારી કરવા ગયેલી ૩ હોડીઓ ડૂબી, ૩લોકોનાં મોત,  ૪૦ લાપતા