અમરેલીના હીરાના વેપારી હનીટ્રેપમાં ફસાયા હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદ પોલીસે ભાવનગર, અમરેલી અને આણંદ પોલીસ સાથે મળી ગેંગના બે આરોપીની ધરપકડ કરી છે. અમરેલીમાં રહેતા મુકેશભાઇ રાદડિયા લિલિયા રોડ પર રાધેશ્યામ ડાયમંડ નામની ઓફિસ ધરાવી હીરા લે-વેચનો ધંધો કરે છે. જેને મહિલાએ હનીટ્રેપમાં ફસાવ્યો હતો.મુકેશભાઇ અવારનવાર સુરત ખાતે વેપારના કામે જતા હતા. તેવામાં પંદરેક દિવસ પહેલા એક સ્ત્રીનો તેમના નંબર પર ફોન આવ્યો. આ સ્ત્રીએ મિત્રતા કરવાનું કહેતા મુકેશભાઇએ મિત્રતા કરવા હા પાડી. મુકેશભાઇએ પૂછ્યું કે, નંબર ક્યાંથી મળ્યો તો આ સ્ત્રીએ મળીને ઓળખી જશો તેવું કહ્યું હતું.
હિના નામની મહિલાએ ફોન પર સંબંધો બાંધી મીઠી મીઠી વાતો શરૂ કરી અને મુકેશભાઈને પોતાની ટ્રેપમાં ફસાવ્યા હતા. તેવામાં ૮મી ઓગષ્ટના રોજ આણંદ ખાતે તેની એક બહેનપણી હીરા ખરીદશે તેવી વાત કરી મુકેશભાઇને આણંદ જવાનું કહ્યું અને સોનલ નામની મહિલાનો નંબર આપ્યો હતો.૯મીના રોજ મુકેશભાઇ ૩.૧૦ લાખના હીરા અને ૨૫ હજાર રોકડા લઇ આણંદ પહોંચ્યા હતા. બાદમાં મુકેશભાઇ આણંદના વૈભવ સિનેમા પાસે પહોંચ્યા ત્યાં સોનલ મળી હતી અને મુકેશભાઇને એક ઘરમાં લઇ જઇ જમાડ્યા હતા. બાદમાં હીરાની વાત કરવાના બહાને તેમને મકાનમાં ઉપરના માળે લઇ ગયા હતા. ત્યાં સોનલે પોતાના કપડા કાઢી મુકેશભાઇ સાથે ખરાબ વર્તન કરવાનું શરૂ કર્યું. ત્યાં મુકેશભાઇ ગભરાઇ જતા તેઓ બાથરૂમમાં દોડ્યા અને ત્યાં હીરાનું પેકેટ પેન્ટમાં સંતાડી દીધું હતું.
જોકે આ હનીટ્રેપ પાછળ મુખ્ય ભેજાબાજ હીના અને રાહુલ આહીર હોવાનું સામે આવ્યું છે. જે લોકોને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ બંને આરોપીઓ પકડાયા બાદ કેટલા વેપારીઓને હનીટ્રેપમાં ફસાવ્યા છે તે બહાર આવશે.