શનિવારે ભારે વરસાદને પગલે ધ્રાંગધ્રાના વાવડી ગામ ખાતે ૧૧ જેટલા લોકો નદીના પ્રવાહમાં તણાયા હતા જે પૈકી ૪ લોકોને રેસ્ક્યૂ કરાયા હતા. સાત લોકો પાણીમાં ગરકાવ થયા હતા જે રવિવારે પાણી ઓછું થતાં ૬ મૃતદેહ મળી આવ્યા છે. એક મૃતદેહની શોધખોળ ચાલુ છે.
મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આર્મીના જવાનોએ જીવના જોખમાં નદીના ધસમસતા પ્રવાહમાંથી ચાર લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.ભારે વરસાદને પગલે ફલકુ નદીમાં ભારે પૂર આવ્યું હતું. આ દરમિયાન ૧૧ જેટલા લોકોએ ટ્રેક્ટર લઈને નદીને પાર કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ટ્રેક્ટર નદીના પ્રવાહમાં તણાયું હતું. શરૂઆતમાં ત્રણ લોકો નદીમાં તણાયા હતા અને બાકીના લોકો ટ્રેક્ટરની છત્રી પર બેસી ગયા હતા.
ત્યારબાદ, નદીમાં ટ્રેક્ટર સાથે લોકો ફસાયા હોવાનું જાણ્યા બાદ તંત્ર મદદ માટે પહોંચી ગયું હતું. આ દરમિયાન આર્મીની બે ટુકડી પણ અહીં આવી પહોંચી હતી. જોકે, તંત્ર અને આર્મી કોઇ કાર્યવાહી કરે તે પહેલા જ ટ્રેક્ટર પર સવાર તમામ લોકો નદીના ધસમસતા પ્રવાહમાં તણાયા હતા.
આ દરમિયાન આર્મીના જવાનોએ જીવના જોખમે નદીના પાણીમાં તરીને ચાર લોકોને બચાવી લીધા હતા.