કોંગ્રેસ શાસિત ઇડર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ સહિત કોંગ્રેસના પાંચ સદસ્યોએ ઇડર ધારાસભ્યની હાજરીમાં ભગવો ધારણ કરી ભાજપમાં જોડાઇ જતા તાલુકા પંચાયતમાં કોંગ્રેસ લઘુમતિમાં આવી ગઇ છે અને સત્તા ગુમાવી છે.
તાલુકા પંચાયતની ગત ચૂંટણીમાં કોંગ્રેસના ૧૭ અને ભાજપના ૧૧ સદસ્યો ચૂંટાતા કોંગ્રેસ સત્તામાં આવી હતી. બીજી ટર્મમાં પ્રમુખ તરીકે ધર્મેન્દ્રભાઇ પટેલ અને ઉપપ્રમુખ તરીકે શારદાબેન વણઝારાની વરણી થઇ હતી. ધારાસભ્ય હિતુ કનોડીયા ઇડર ભાજપ પ્રમુખ કનુભાઇ પટેલ, જિલ્લા દિવેલા તેલીબીયા સંઘના પ્રમુખ અને યુવા નેતા અશોકભાઇ પટેલ, મહામંત્રી સતીશભાઇ પટેલ તથા અન્ય કાર્યકર હોદ્દેદારોની ઉપસ્થિતિમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને અન્ય ત્રણ સદસ્યો યાકુબભાઇ દાંત્રોલીયા, જયંતિભાઇ પટેલ, પરાગભાઇ વણકરે ભગવો ખેસ પહેરી લઇ ભાજપની સદસ્યતા સ્વીકારી લેતા તા.પ.માં કોંગ્રેસનુ ભાજપમાં વિલીનીકરણ થઇ જતાં હવે ભાજપનુ સંખ્યાબળ ૧૬ અને કોંગ્રેસના સદસ્યો ૧૨ રહી જતા કોંગ્રેસે સત્તા ગુમાવી છે.