શુક્રવારે રાત્રે વરસેલા ભારે વરસાદમાં હિંમતનગર -વિજાપુર હાઇવે પર દેરોલ નજીક સાબરમતી નદીના પુલનો વિજાપુર બાજુના છેડે રોડ અને પુલને જોડતો છેડો દબાઇ જતાં ભયજનક સ્થિતિ સર્જાઇ હતી. જેને લઇ ટ્રાફિક એક સાઇડ કરવાની ફરજ પડી હતી. આ રોડ હિંમતનગર તાલુકા સહિત અરવલ્લી જિલ્લાને મહેસાણા જિલ્લા સાથે જોડતો મુખ્ય માર્ગ હોઇ સેંકડો વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા. જોકે, આરએન્ડબી દ્વારા સિમેન્ટ, કપચી અને રેતી ભરીને ગાબડું પૂરવાનો પ્રયાસ કરાયો હતો. પાંચ દાયકા જૂના આ પુલને દોઢેક વર્ષ અગાઉ રોડ વાઇડનીંગ દરમિયાન રિપેર કરાયો હતો. જે-તે સમયે પુલને જોડતા છેડાની સંરક્ષણ દીવાલની નબળી કામગીરી અને કરેલા પુરાણમાં બેદરકારી બહાર આવી હતી.
ઉલ્લેખનીય છે કે,પુલના છેડે કરેલા પુરાણને ટકાવી રાખવા બનાવેલી સાઇડની દીવાલમાં ગાબડાં પડેલા છે. તો દીવાલ પર ઉગેલા ઝાડના મૂળિયા અંદરની બાજુ જતાં પોલાણ થઇ ગયું છે. પુલના સ્લેબ અને રોડને જોડતી જગ્યાએથી પાણી નીચે ઉતરતાં માટી લઇ જતાં છેડો દબાઇ ગયો હોવાનું મનાય છે. છતાં તે દૂર નહીં કરાતાં ફરી જોખમ ઊભું થવાની શક્યતા છે.