૫ ઈંચ વરસાદમાં ૪૭ સ્થળે પાણી ભરાયાં, મ્યુનિ.એ હજાર પમ્પ મૂકીને ૪ કલાકમાં જ ૨૦૦ કરોડ લિટર પાણી ઉલેચ્યું

465

શુક્રવારે મોડી સાંજથી શરૂ થયેલા વરસાદે પરોઢિયે ૩ વાગ્યે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. માત્ર ૨ કલાકમાં સરેરાશ ૫ ઈંચ વરસાદ થયો. સરખેજમાં સૌથી વધુ ૮ ઈંચ, ગોતામાં ૬ ઈંચ વરસાદ પડ્‌યો હતો. શહેરભરમાં ૪૭ સ્થળે પાણી ભરાઈ ગયાં હતાં. હાટકેશ્વર અને શ્રીનંદનગર જેવા વિસ્તારોમાં તો ૪ ફૂટ સુધી પાણી ભરાયું હતું. ગુરુકુળમાં બેઝમેન્ટમાં આવેલી દુકાનોમાં પાણી ફરી વળ્યાં હતાં. આ ઉપરાંત શિવરંજની, શ્યામલ, સિંધુ ભવન, પ્રહલાદનગર, નારણપુરા, ઘાટલોડિયા, મણિનગર જેવા અનેક વિસ્તારમાં ઢીંચણ સુધી પાણી ભરાયાં હતાં. જો કે, પાલડી ખાતેનો મ્યુનિ.નો કંટ્રોલ રૂમ રાત્રે ૩ વાગ્યાથી જ એકશનમાં આવી ગયો હતો. કોર્પોરેશને ૩થી માંડીને ૧૨૦ હોર્સ પાવર સુધીની ૧ હજાર મોટરો મૂકી વરસાદી પાણીનો ૪ કલાકમાં જ નિકાલ કર્યો હતો. સવારે ૧૧ સુધીમાં તો મોટાભાગના વિસ્તારમાં પાણી ભરાયેલું દેખાતું ન હતું અને ૭ અંડરપાસ પણ ચાલુ થઈ ગયા હતા.

અમદાવાદમાં પહેલી વખત જ વરસાદ બંધ થયાના ૩ કલાકમાં જ પાણી ઉલેચી લોકોને પાણી ભરાવવાની સમસ્યામાંથી મુક્તિ મળી છે. મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાના દાવા મુજબ શહેરના પમ્પિંગ સ્ટેશનોએ રેકોર્ડ ૨ હજાર એમલડી (૨૦૦ કરોડ લિટર) પાણી ઉલેચ્યું હતું. તેમનું કહેવું છે કે, વરસાદી પાણીના નિકાલ માટે દેશમાં પહેલી વખત જ સેન્સર આધારિત મોનિટરિંગ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી હતી. જેના કારણે પાણી ભરાવાની સમસ્યા હલ કરી શકાઈ છે. મ્યુનિસિપલ કોર્પોરેશને ચોમાસા પહેલાં જ એક સોફ્‌ટવેર તૈયાર કરી શહેરના ડ્રેનેજ અને સ્ટોર્મ વોટરના ૫૦૦ પમ્પિંગ સ્ટેશનને આવરી લીધા હતા. દરેક સ્ટેશનમાં વિવિધ હોર્સ પાવર સુધીના પંપ હોય છે જે વરસાદી પાણી ઉલેચવાનું કામ કરે છે. આ ઉપરાંત ડીવાયએમસી સહિતના ઉપરી અધિકારીઓને એક મોબાઈલ એપ આપવામાં આવી હતી. આ એપથી દરેક પમ્પ સ્ટેશનનું સતત મોનિટરિંગ થતું હતું.

Previous articleઆદિવાડામાં ૩૦થી વધુ ઘરોમાં પાણી ભરાતાં ગ્રામજનોના બેહાલ
Next articleચાલુ રિક્ષા પર ઝાડ પડતા ચાલકનું ઘટનાસ્થળે જ મોત, બે ઇજાગ્રસ્ત