દર વર્ષની જેમ દશામાના ઉપવાસ પૂર્ણ થયા બાદ ભક્તો સાબરમતી નદીમાં વિસર્જન કરતા હોય છે. પરંતુ આ વર્ષે ભક્તોએ દશામાની મુર્તિને નદીમાં વિસર્જિત કરવાના બદલે રિવરફ્રન્ટ પર જ મૂકી દીધી હતી. લોકોના આવા સહકારથી અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ સોશિયલ મીડિયા પર વખાણ કરતા જણાવ્યું હતું કે, આજે અમદાવાદમાં કઈંક સારૂ થઈ રહ્યું છે. લોકોએ સાબરમતી નદી સ્વચ્છ રાખવાનો નિર્ણય કર્યો છે. હજારો લોકોએ મુર્તિને નદીમાં વિસર્જન કરવાના બદલે સન્માનપૂર્વક મુર્તિને રિવરફ્રન્ટ પર જ મૂકી દીધી હતી. દર વર્ષે દશામાની મૂર્તિનાં વિસર્જન બાદ સાબરમતી નદી ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ જાય છે. અને કોર્પોરેશનને સાબરમતી નદી સાફ કરવા માટે ખુબ મહેનત કરવી પડી છે. ત્યારે હાલમાં જ અમદાવાદ કોર્પોરેશન દ્વારા સાબરમતી સ્વચ્છ મહાઅભિયાન શરૂ કરાયું હતું. જે બાદ આજે મૂર્તિનું વિસર્જન રિવરફ્રન્ટના કાંઠા પર જ કરવામાં આવતાં નદી સ્વચ્છ રહેશે.