કેરળ અને કર્ણાટકમાં પુરની સ્થિતિ ગંભીર : લાખો હજુ રાહત કેમ્પોમાં

418

કેરળ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં પુરની સ્થિતિ હજુ પણ ગંભીર બનેલી છે. ત્રણેય રાજ્યોમાં મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. કેરળ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં મોતનો આંકડો વધીને ૧૩૨ સુધી પહોંચી ચુક્યો છે. આ ઉપરાંત તમિળનાડુમાં પણ ભારે વરસાદ અને પુરના કારણે પાંચ લોકોના મોત થઇ ચુક્યા છે જેથી મોતનો આંકડો ૧૩૭ સુધી પહોંચ્યો છે. ગુજરાતના આંકડાને ધ્યાનમાં લેવામાં આવે તો આ આંકડો ૧૬૦થી પણ ઉપર પહોંચી ચુક્યો છે. કેરળ અને કર્ણાટકમાં હાલત કફોડી બનેલી છે. કેરળમાં પુરના કારણે ૬૦ લોકોના મોત થઇ ચુક્યા છે. સેંકડો લોકો હજુ પણ લાપત્તા થયેલા છે. કેરળના અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરીમાં સેના અને એનડીઆરએફની ટીમો લાગેલી છે. તમિળનાડુમાં ભારે વરસાદના કારણે પાંચ લોકોના મોત થયા છે.

કેરળમાં પુરની સ્થિતી વધુને વધુ ગંભીર બની રહી છે. એકલા કેરળમાં જ ઓછામાં ઓછા ૬૦ લોકોના મોત થઇ ચુક્યા છે. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ છે. લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે.કેરળમાં આજે વધુ ૧૮ લોકોના મોત થતાં મોતનો આંકડો વધીને ૬૦ ઉપર પહોંચી ચુક્યો છે. બચાવ ટીમ દ્વારા વાયનાડમાંથી નવના મૃતદેહો શોધી કાઢવામાં આવ્યા છે. કેરળના સાત જિલ્લામાં રેડ એલર્ટની જાહેરાત કરવામા ંઆવી છે. કેરળના જે સાત જિલ્લામાં રેડ એલર્ટની જાહેરાત કરવામા ંઆવી છે તેમાં એર્નાકુલમ, ઇડુકી, પલક્કડનો સમાવેશ થાય છે. એનડીઆરએફની ૧૩ ટીમો કેરળ પહોંચી ચુકી છે.  એર્નાકુલમમાં લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે. કોઝિકોડમાં જળબંબાકારની સ્થિતી જોવા મળી રહી છે. કોચિ એરપોર્ટ ખાતે કામગીરી આંશિકરીતે ફરી શરૂ કરવામાં આવી છે. કેરળમાં વર્ષ ૨૦૧૮માં પણ ભારે વરસાદ થયો હતો. વર્ષ ૨૦૧૮માં ૪૧૭ લોકોના મોત થયા હતા. તમામ પુરગ્રસ્ત રાજ્યોમાં મુખ્યપ્રધાન હવાઇ સર્વેક્ષણ કરીને માહિતી મેળવી રહ્યા છે. અહીં ૧.૬૫ લાખથી પણ વધારે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે. જનજીવન સંપૂર્ણપણે ખોરવાયેલુ છે. પરિવહન સેવા અસરગ્રસ્ત વિસ્તારોમાં ઠપ્પ થઇ ચુકી છે. ૧૩૧૮ રાહત કેમ્પોમાં ૧.૬૫ લાખ લોકોને ખસેડી લેવામાં આવ્યા છે. મુખ્યપ્રધાન વિજયન દ્વારા આર્મીની મદદ લેવામાં આવી રહી છે. રાહત અને બચાવ કામગીરી માટે વધારાની એનડીઆરએફની ટીમ આપવાની માંગ કરવામાં આવી છે. બીજી બાજુ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી પોતે પણ પોતાના મતવિસ્તારમાં લોકોની મદદ માટે પહોંચી છે. વાયનાડમાં મેપપ્ડીમાં ભેખડ ધસી પડવાની ઘટના બની છે. હવામાન વિભાગે ૧૪મી ઓગષ્ટ સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.  ભારે વરસાદ વચ્ચે કર્ણાટકમાં પણ લોકોની હાલત ખરાબ છે. કર્ણાટકમાં હજુ સુધી ૩૧ લોકોના મોત થયા છે. કર્ણાટકના ૧૭ જિલ્લાઓમાં પુરની સ્થિતિ રહેલી છે. ૩.૧૪ લાખ લોકોને સુરક્ષિતરીતે ખસેડવામાં આવી ચુક્યા છે. કર્ણાટકમાં ૯૨૪ રાહત કેમ્પોમાં ૨.૧૮ લાખ લોકોને રાખવામાં આવ્યા છે. એનડીઆરએફની ૧૯ ટીમો બચાવ અને રાહત કામગીરીમાં લાગેલી છે. કર્ણાટકમાં યેદીયુરપ્પાની ભાજપ સરકાર દ્વારા કેન્દ્ર સરકાર પાસેથી ૩૦૦૦ કરોડ રૂપિયાની સહાયતાની માંગ કરી છે.  છ જિલ્લામાં એલર્ટની જાહેરાત કરવામા ંઆવી છે. તમિળનાડુમાં પણ ભારે વરસાદના કારણે કેટલાક જિલ્લામાં પુરની સ્થિતી સર્જાઇ ગઇ છે. ભારતીય હવાઇ દળની મદદ લેવામાં આવી રહી છે. ભારે વરસાદના કારણે લોકોની હાલત ખરાબ થયેલી છે. થેની, તિરુનેલવેલી અને કન્યાકુમારીમાં ભારે વરસાદ થયો છે.  મુંબઇથી પ્રાપ્ત અહેવાલ મુજબ મહારાષ્ટ્રમાં સ્થિતિમાં આંશિક સુધારો થયો છે પરંતુ બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. મહારાષ્ટ્રમાં પુર અને ભારે વરસાદથી હજુ સુધી ૩૧ લોકોના મોત થઇ ચુક્યા છે. સાંગલી, કોલ્હાપુર, સોલાપુર, પુણે અને સતારામાં ફસાયેલા ૨૦૫૫૯૧ લોકોને સુરક્ષિત સ્થળ પર લઇ જવામાં આવ્યા છે. કોલ્બાપુરમાં ૯૭૧૦૨ લોકોને શિફ્ટ કરવામાં આવ્યા છે. મુંબઇને કોલ્હાપુર સાથે જોડનાર નેશનલ હાઇવે હજુ પણ બંધ હાલતમાં છે. જેના પરિણામસ્વરૂપે ખેડ, સતારા, અને કરાડ તરફ જતા ૩૦ હજાર ભારે વાહનોની લાઇનો લાગી ગઇ છે. આ વાહનો જુદા જુદા સ્થળ પર અટવાયા છે. પશ્ચિમી મહારાષ્ટ્રમાં ૨.૮૫ લાખ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. સાંગલીમાં નવ લોકો હજુ પણ લાપતા છે. કોલ્હાપુરમાં પણ અનેક લોકો હાલ લાપતા છે.  તમામ વિસ્તારોમાં ભારે વરસાદના કારણે હાલત કફોડી છે. બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. અસરગ્રસ્ત રાજ્યોમાં પુર પ્રભાવિત વિસ્તારોમાં એનડીઆરએફની ટીમ બચાવ અને રાહત કામગીરીમાં લાગેલી છે. મોટી સંખ્યામાં લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

Previous articleગાંધીનગર જિલ્લામાં સરેરાશ ૫ ઈંચ વરસાદથી લોકોમાં આનંદ
Next articleમોદી-શાહ કૃષ્ણ-અર્જુનની જેમ છે : રજનીકાંતનો મત