કલમ ૩૭૦ની નાબૂદી બાદ પાકિસ્તાનની સાથે વધી ગયેલી તંગદિલી વચ્ચે વિદેશમંત્રી એસ જયશંકર ત્રણ દિવસના પ્રવાસ ઉપર આજે ચીન પહોંચ્યા હતા. બે દિવસ પહેલા જ પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહેમુદ કુરેશી પણ બેજિંગ પહોંચ્યા હતા. અલબત્ત જયશંકરની આ યાત્રા પહેલાથી જ નક્કી કરવામાં આવી હતી. વિદેશમંત્રી જયશંકરની આ યાત્રા દરમિયાન આ વર્ષે ચીની પ્રમુખ જિંગપિંગની ભારત યાત્રા માટેની વ્યવસ્થાને આખરી ઓપ આપવાને લઇને પણ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે. આ વાતચીત દરમિયાન જયશંકર તેમના કાર્યક્રમને આખરી ઓપ આપશે. જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને નાબૂદ કરવામાં આવ્યા બાદ ભારતીય વિદેશમંત્રીની આ પ્રથમ ચીન યાત્રા છે. જમ્મુ કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજિત કરવામાં આવી ચુક્યું છે. ચીને પણ અગાઉ વાંધો ઉઠાવ્યો હતો પરંતુ ભારતે રદિયો આપ્યો હતો. કલમ ૩૭૦ની નાબૂદી બાદ ભારતના ચુકાદાને લઇને વિશ્વના દેશો ભારતની સાથે દેખાઈ રહ્યા છે. રાજનેતામાંથી વિદેશ મંત્રી બનેલા જયશંકર ૨૦૦૯થી ૨૦૧૩ સુધીના ગાળામાં ચીનમાં ભારતના રાજદૂત તરીકે રહ્યા હતા.
કોઇપણ ભારતીય રાજદૂત આટલા લાંબા ગાળા સુધી ચીનમાં ફરજ બચાવી શક્યા નથી. ચીનમાં નેતૃત્વ સાથે તેમની વાતચીતનો દોર આવતીકાલે શરૂ થશે. તેઓ જુદા જુદા નેતાઓ સાથે બેઠક યોજનાર છે. ચીની સ્ટેટ કાઉન્સિલર અને વિદેશમંત્રી વાંગ યી સાથે તેઓ વાતચીત કરનાર છે. સાંસ્કૃતિક અને લોકોના પરસ્પર સંપર્ક કાર્યક્રમમાં પણ ભાગ લેશે. આ વર્ષે દ્વિપક્ષીય કારોબાર ૧૦૦ અબજ ડોલર સુધી પહોંચી જાય તેવી શક્યતા દેખાઈ રહી છે. ચીન અને ભારત વચ્ચેના સંબંધો હંમેશા તંગ રહ્યા હોવા છતાં પાકિસ્તાન જેવા સંબંધો ભારતના ચીન સાથે ક્યારે પણ રહ્યા નથી.