પાણીનો ભરાવો થતા ભાવનગર-અમદાવાદ હાઈવે તંત્રએ તોડ્યો

739

ગઈકાલે ભાવનગર અને બોટાદ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે ભાવનગર-ધોલેરા-અમદાવાદ હાઈવે પાણીમાં ગરકાવ થયો હતો. હાઈવેની બંન્ને બાજુ પાણી ભરાયા તેમજ હાઈવે ઊપરથી પણ પાણી વહી રહ્યું હતું ત્યારે હવે આ પાણીનો નિકાલ કરવા માટે તંત્રને ના છૂટકે હાઈવે તોડવાની ફરજ પડી છે.

હાલ માઢિયા નજીક ભાવનગર-અમદાવાદ હાઈવે તોડવામાં આવ્યો છે જેની સીધી અસર વાહન વ્યવહાર પર પડી છે ત્યારે અમદાવાદ જવા માટે ધંધુકા ડાયવર્ઝન અપાયું છે. ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ પર દરરોજ મોટી સંખ્યામાં વાહનોની અવર-જવર રહે છે ત્યારે વરસાદી પાણીનો ઝડપી નિકાલ કરવા તંત્રએ હાઈવે તોડ્યો છે.

ઉલ્લેખનિય છે કે,વલભીપુર તાલુકામાં પડેલા વરસાદને પગલે ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ પર હેબતપુરના પાટિયા, સાંઢીડા તેમજ અન્ય ગામો વચ્ચે રોડ ઉપર પુષ્કળ પાણીનો ધોધ વહેતો જોવા મળ્યો હતો અને જગ્યાએ જગ્યાએ રોડ પર નદી વહેતી હોય તેમ વરસાદી પાણીનું ભયજનક રીતે વહેણ થઈ રહ્યું છે. જેના કારણે મુસાફરોના જીવ તાળવે ચોટયા હતા અને જીવનો જોખમ લઈ વાહનોને અહીંથી પસાર કરવાની નોબત આવી હતી. રોડ ઉપરથી ભયજનક રીતે પાણી વહેતું હોવાથી અમદાવાદ જવા માટે ધંધુકા ડાયવર્ઝન અપાયું હતું.

Previous articleભરતનગરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ
Next articleસોનગઢ ગુરૂકુળ હાઈસ્કુલમાં વિશ્વસિંહ દિવસની ઉજવણી