પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરનું માનવું છે કે રિષભ પંતની તુલનામાં શ્રેયસ અય્યર એકદિવસીય આંતરરાષ્ટ્રીય મેચોમાં ચોથા સ્થાન માટે સારો વિકલ્પ છે અને ભારતીય મધ્યમક્રમમાં તેને સ્થાયી જગ્યા મળવી જોઈએ. એક વર્ષ બાદ ભારતીય ટીમમાં જગ્યા બનાવનાર અય્યરે રવિવારે પોર્ટ ઓફ સ્પેનમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ બીજી વનડેમાં ૬૮ બોલમાં ૭૧ રન બનાવ્યા અને ભારતની ૫૯ રનની જીતમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. અય્યર ભારતીય ટીમમાં ચોથા સ્થાન પર બેટિંગ કરવા માટે દાવેદાર છે પરંતુ ટીમ મેનેજમેન્ટ હાલ ૫૦ ઓવરના ફોર્મેટમાં આ સ્થાન પર વિકેટકીપર બેટ્સમેન પંતને તક આપી રહ્યું છે. ગાવસ્કરે કહ્યું, ’મારી નજરથી રિષભ પંત એમએસ ધોનીની જેમ ૫મા કે છઠ્ઠા ક્રમ પર ફિનિશરના રૂપમાં સારો છે, કારણ કે અહીં તે પોતાની સ્વાભાવિક રમત રમી શકે છે.’
અય્યરની પ્રશંસા કરતા ગાવસ્કરે કહ્યું, ’તેણે તકનો લાભ લીધો. તે પાંચમાં ક્રમે આવ્યો. તેની પાસે ઘણી ઓવર હતી અને કેપ્ટન વિરાટ કોહલી તેની સાથે રમી રહ્યો હતો. તેનાથી વધુ સારી કંઇ ન હોઈ શકે, કારણ કે કેપ્ટન તમારા ઉપરથી દબાવ ઓછો કરે છે.’ તેમણે કહ્યું, ’ક્રિકેટમાં શીખવાની સર્વશ્રેષ્ઠ જગ્યા નોન-સ્ટ્રાઇકર એન્ડ છે. કોહલી જ્યારે બેટિંગ કરી રહ્યો હતો તો અય્યર તે કરી રહ્યો હતો.’