દેશના જુદા જુદા ભાગોમાં કુદરતી પુર પ્રકોપ જારી છે. પુર તાંડવના કારણે મોતનો આંકડો જુદા જુદા રાજ્યોમાં ઝડપથી વધી રહ્યો છે. કારણ કે ભારે વરસાદ અને પુર બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં અનેક લોકો લાપતા થયેલા છે. બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક સહિતના રાજ્યોમાં પુરના કારણે હાલત કફોડી બનેલી છે. દેશમાં પુરગ્રસ્ત રાજ્યોમાં કુલ ૧૮૦થી વઘારેના મોત થયા છે. કેરળમાં સૌથી વધુ ૭૨ના મોત થયા છે. કર્ણાટકમાં ૪૦ લોકોના મોત થયા છે. ગુજરાતમાં પણ મોતનો આંકડો વધીને ૩૩ ઉપર પહોંચી ગયો છે. મહારાષ્ટ્રમાં મોતનો આંકડો ૩૦ ઉપર પહોંચી ગયો છે. તમામ રાજ્યોમાં બચાવ અને રાહત કામગીરીમાં સંબંધિત ટીમો લાગેલી છે.એકલા કેરળમાં જ ઓછામાં ઓછા ૭૨ લોકોના મોત થઇ ચુક્યા છે. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ છે. લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે.કેરળમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં બીજા ૧૫ લોકોના મૃતદેહો મળતા મોતનો આંકડો વધીને ૭૨ ઉપર પહોંચી ચુક્યો છે. બચાવ ટીમ દ્વારા વાયનાડમાંથી નવના મૃતદેહો શોધી કાઢવામાં આવ્યા છે. કેરળના સાત જિલ્લામાં રેડ એલર્ટની જાહેરાત કરવામા ંઆવી છે. કેરળના જે સાત જિલ્લામાં રેડ એલર્ટની જાહેરાત કરવામા ંઆવી છે તેમાં એર્નાકુલમ, ઇડુકી, પલક્કડનો સમાવેશ થાય છે. એનડીઆરએફની ૧૩ ટીમો કેરળ પહોંચી ચુકી છે. એર્નાકુલમમાં લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે. કોઝિકોડમાં જળબંબાકારની સ્થિતી જોવા મળી રહી છે. કોચિ એરપોર્ટ ખાતે કામગીરી આંશિકરીતે ફરી શરૂ કરવામાં આવી છે. કેરળમાં વર્ષ ૨૦૧૮માં પણ ભારે વરસાદ થયો હતો. વર્ષ ૨૦૧૮માં ૪૧૭ લોકોના મોત થયા હતા. તમામ પુરગ્રસ્ત રાજ્યોમાં મુખ્યપ્રધાન હવાઇ સર્વેક્ષણ કરીને માહિતી મેળવી રહ્યા છે. અહીં ૨.૪૭ લાખથી પણ વધારે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડીલેવામાં આવ્યા છે. જનજીવન સંપૂર્ણપણે ખોરવાયેલુ છે. પરિવહન સેવા અસરગ્રસ્ત વિસ્તારોમાં ઠપ્પ થઇ ચુકી છે. ૧૬૩૯ રાહત કેમ્પોમાં ૨.૪૭ લાખ લોકોને ખસેડી લેવામાં આવ્યા છે. મુખ્યપ્રધાન વિજયન દ્વારા આર્મીની મદદ લેવામાં આવી રહી છે. રાહત અને બચાવ કામગીરી માટે વધારાની એનડીઆરએફની ટીમ આપવાની માંગ કરવામાં આવી છે. વાયનાડમાં મેપપ્ડીમાં ભેખડ ધસી પડવાની ઘટના બની છે. હવામાન વિભાગે ૧૪મી ઓગષ્ટ સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. ભારે વરસાદ વચ્ચે કર્ણાટકમાં પણ લોકોની હાલત ખરાબ છે. કર્ણાટકમાં હજુ સુધી ૪૦ લોકોના મોત થયા છે. કર્ણાટકના ૧૭ જિલ્લાઓમાં પુરની સ્થિતિ રહેલી છે. ૫૮૧૭૦૨ લોકોને સુરક્ષિતરીતે ખસેડવામાં આવી ચુક્યા છે. કર્ણાટકમાં ૧૧૬૮ રાહત કેમ્પોમાં મોટી સંખ્યામાં લોકોને રાખવામાં આવ્યા છે. એનડીઆરએફની ૨૦ ટીમો બચાવ અને રાહત કામગીરીમાં લાગેલી છે. સેનાની ૧૦ ટીમો, નોકાસેનાની પાંચ ટીમો લાગેલી છે. કર્ણાટકમાં યેદીયુરપ્પાની ભાજપ સરકાર દ્વારા કેન્દ્ર સરકાર પાસેથી ૩૦૦૦ કરોડ રૂપિયાની સહાયતાની માંગ કરી છે. છ જિલ્લામાં એલર્ટની જાહેરાત કરવામા ંઆવી છે.કર્ણાટકમાં પહેલી ઓગષ્ટ બાદથી ૪૦ લોકોના મોત થઇ ચુક્યા છે. ૧૧ લોકો લાપતા દર્શાવવામાં આઈવી રહ્યા છે. બચાવ અને રાહત કામગીરી દિનપ્રતિદિન વધુને વધુ ઝડપી કરવામાં આવી છે. મુંબઇથી પ્રાપ્ત અહેવાલ મુજબ મહારાષ્ટ્રમાં સ્થિતિમાં આંશિક સુધારો થયો છે પરંતુ બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. મહારાષ્ટ્રમાં પુર અને ભારે વરસાદથી હજુ સુધી ૩૧ લોકોના મોત થઇ ચુક્યા છે. સાંગલી, કોલ્હાપુર, સોલાપુર, પુણે અને સતારામાં ફસાયેલા ૨૦૫૫૯૧ લોકોને સુરક્ષિત સ્થળ પર લઇ જવામાં આવ્યા છે. કોલ્બાપુરમાં ૯૭૧૦૨ લોકોને શિફ્ટ કરવામાં આવ્યા છે. મુંબઇને કોલ્હાપુર સાથે જોડનાર નેશનલ હાઇવે હજુ પણ બંધ હાલતમાં છે. જેના પરિણામસ્વરૂપે ખેડ, સતારા, અને કરાડ તરફ જતા ૩૦ હજાર ભારે વાહનોની લાઇનો લાગી ગઇ છે. આ વાહનો જુદા જુદા સ્થળ પર અટવાયા છે. પશ્ચિમી મહારાષ્ટ્રમાં ૨.૮૫ લાખ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. સાંગલીમાં નવ લોકો હજુ પણ લાપતા છે. કોલ્હાપુરમાં પણ અનેક લોકો હાલ લાપતા છે. તમામ વિસ્તારોમાં ભારે વરસાદના કારણે હાલત કફોડી છે. બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. અસરગ્રસ્ત રાજ્યોમાં પુર પ્રભાવિત વિસ્તારોમાં એનડીઆરએફની ટીમ બચાવ અને રાહત કામગીરીમાં લાગેલી છે. મોટી સંખ્યામાં લોકોને બચાવી લેવામાં આવ્યા છે.મહારાષ્ટ્રના સાંગલી અને કોલ્બાપુરના ૩૫ ગામો સંપર્ક વિહોણા થયેલા છે. કોલ્હાપુરના પંચગંગા પુલને વાહન વ્યવહાર માટે ખોલી દેવામાં આવ્યો છે. ગુજરાતમાં પુરના કારણે હાલત કફોડી બનેલી છે. રવિવારના દિવસે બીજા ૧૧ લોકોના મોત સાથે રાજ્યમાં મોતનો આંકડો વધીને ૩૩ ઉપર પહોંચી ગયો છે.