અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક ચોંકાવનારો કેસ સામે આવ્યો હતો. માનસિક અસ્થિર દર્દીના પેટમાંથી ડોક્ટરને લગભગ ૪૫૨ ધાતુની વિવિધ વસ્તુ મળી આવી હતી. આ પ્રકારનો કેસ જોઇ તબીબો પણ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. અમદાવાદ સિવિલમાં આ પ્રથમ કેસ છે.
માનસિક રીતે અસ્થિર યુવક મેટલની વસ્તુઓ ખાતો હતો. તેને શનિવારના રોજ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન માટે લવાયો હતો. જ્યાં ડોક્ટરોએ તેના પેટમાંથી અલગ-અલગ પ્રકારની મેટલની વસ્તુઓ બહાર કાઢી તેને નવું જીવન આપ્યું હતું.
મેન્ટલ હોસ્પિટલમાંથી ૨૮ વર્ષના દિપક(નામ બદલ્યું છે)ને ઇએનટી વિભાગમાં એડમિટ કરવામાં આવ્યો હતો. તબીબોએ દૂરબીન નાખી તપાસ કરી તો તેની દિપકની શ્વાસનળીમાં પીન ફસાઇ હોવાનું સામે આવ્યું હતું. જેથી તબીબોએ દિપકના ગળામાંથી પીન બહાર કાઢી લીધી હતી. પીન કાઢ્યાં બાદ ડોક્ટરોએ દિપકના પેટનો એક્સ રે કરાવ્યા હતાં. એક્સ રે રિપોર્ટ આવતા જ તબીબો આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. તાત્કાલીક દિપકને સર્જરી વિભાગમાં ખસેડવામાં આવ્યો હતો. સર્જરી વિભાગના ડો. કલ્પેશ પરમાર, ડો. વશિષ્ટ જલાલ, ડો.આકાશ શાહ, ડો.નિસર્ગ પટેલ અને ટીમે તેના વિવિધ રિપોર્ટ કરી ઓપરેશન કરી વસ્તુઓ બહાર કાઢવાનું નક્કી કર્યું હતું. દિપકનું ઓપરેશન કરવામાં આવ્યું ત્યારે તેના પેટમાંથી ખીલ્લી, બાઇકનો પ્લગ, નેઇલકટર, બોલ્ટ, પીન સહિત ૪૫૨ વસ્તુ કાઢવામાં આવી હતી. એક પછી એક વસ્તુ નીકળતા ઓપરેશન દરમિયાન તબીબો ચોંકી ઊઠ્યા હતા.