તાલુકાના સાદરા ગામની ઉપરવાસના દેઉસણા, નગરાસણ, બલાસર સહિતના ગામોનું વરસાદી પાણી સાદરામાં ઘસી આવ્યું હતું. આ વરસાદી પાણીમાં ગામના એક વ્યક્તિનું ડૂબી જતાં મોત નિપજ્યું હતું. સાદરા ગામ ચાર દિવસથી પાણીમાં છે. ઉલ્લેખનીય છે કે ઇન્દિરાપરામાં કાચા પાકા મકાનોમાં ઘૂસી જતાં ૮૦ કુટુંબોને આ પહેલા સલામત સ્થળે ખસેડાયા હતા.
કડી પંથકના ભારે વરસાદ અને ઉપરવારના વરસાદના પાણી સાદરામાં ઘસી આવ્યા છે. દરમિયાન વરસાદી પાણીને પગલે તેમાં ડૂબતા ઠાકોર કાંતિજી જખસીજી ઠાકોર નામના યુવાનનું મોત થયું હતું.
સાદરા ગામના ઈન્દિરા પરામાંથી ઉપરવાસના ગામોના વરસાદી પાણીના નિકાલ માટેના કાંસ તથા નાળા સફાઈના અભાવે પૂરાઈ જતાં તેમજ નજીકની એન.કો. ઈન્ડસ્ટ્રીઝે નાળુ બંધ કરી દેતાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં ૮૦ મકાનોમાં કેડ સુધી પાણી ભરાતાં ઘરવખરી, અનાજ અને માલસામાન પલળી ગયો હતો. ઘરોમાં પાણી ભરાતાં તમામ પરિવારો બહાર નીકળી ગયા હોવાનું સરપંચ વૈશાલીબેન પટેલે જણાવ્યું હતું.
રવિવારે ધારાસભ્ય કરશનભાઈ સોલંકી, ટીડીઓ આર.એમ. પટેલ, માર્ગ અને મકાન વિભાગના ઈજનેર તુષારભાઈ પટેલ સહિત કેડસમા પાણીમાં ગામલોકોને મળ્યા હતા. તમામ પરિવારોને પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરાવી જેસીબીથી વરસાદી પાણીના નિકાલ માટે કાંસ અને નાળાની સફાઈ હાથ ધરાઇ હતી. ટીડીઓ પટેલે જણાવ્યું કે, આ પરિવારોની જમવા સહિત પાણી નિકાલની વ્યવસ્થા કરાઈ છે.